News of Monday, 6th April 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 50% બિનઅનામત બેઠકો પર માત્ર બિનઅનામત વર્ગને જ પ્રતિનિધિત્વ આપવા વરુણ પટેલની પ્રદેશ ભાજપ પ્રમુખને ઉગ્ર રજૂઆત
ઓપન બેઠકો પર અનામત વર્ગને ટિકિટ અપાશે તો ગુજરાતમાં સામાજિક અને રાજકીય અરાજકતા સર્જાશે તેવી ચીમકી : કોંગ્રેસ જેવી દશા થવાનો ડર બતાવી બિનઅનામત વર્ગને ભાજપનો આધારસ્તંભ ગણાવ્યો

ગાંધીનગર: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના વરુણ પટેલે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખને એક પત્ર લખીને બિનઅનામત વર્ગના હિતોના રક્ષણ માટે ગંભીર માંગણીઓ કરી છે. પત્રમાં તેમણે ખાસ ઉલ્લેખ કર્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં OBC અનામતનો ક્વોટા 10% થી વધારીને 27% કરવામાં આવ્યો છે, જેના કારણે હવે કુલ 50% બેઠકો અનામત વર્ગ માટે અનામત થઈ ગઈ છે અને બાકીની 50% બેઠકો બિનઅનામત વર્ગ માટે બચી છે.
પ્રતિનિધિત્વ જળવાય તે નૈતિક ફરજ:
વરુણ પટેલે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે, જે 50% બેઠકો બિનઅનામત વર્ગ માટે બાકી છે, તેમાં માત્ર બિનઅનામત વર્ગનું જ પ્રતિનિધિત્વ જળવાઈ રહેવું જોઈએ. ખાસ કરીને ઓપન બેઠકો પર મહત્તમ બેઠકો બિનઅનામત વર્ગના ઉમેદવારોને મળે તે માટે પક્ષે ગંભીરતાથી વિચારવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, આ બાબતે યોગ્ય નિર્ણય લેવો એ પ્રદેશ પ્રમુખની નૈતિક ફરજ પણ બને છે.
સામાજિક અરાજકતાની ભીતિ:
વરુણ પટેલે પત્રમાં પક્ષને ચેતવણી આપતા લખ્યું છે કે, જો બિનઅનામત વર્ગની બેઠકો પર પણ અનામત વર્ગને પ્રતિનિધિત્વ આપવામાં આવશે, તો આવનારા દિવસોમાં ગુજરાતમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે મોટા પાયે અરાજકતા અને અસમન્વયના બીજ રોપાશે. આ સામાજિક અસંતુલન ન સર્જાય તે માટે અત્યારથી જ તકેદારી રાખવી અનિવાર્ય છે.
ભાજપનો આધારસ્તંભ અને કોંગ્રેસનો ઉલ્લેખ:
પોતાની લાગણી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ ભાજપના કાર્યકર્તા હોવાની સાથે બિનઅનામત વર્ગના સૈપાહી પણ છે. બિનઅનામત વર્ગ એ ભારતીય જનતા પાર્ટીનો આધારસ્તંભ અને કરોડરજ્જુ છે. તેમણે ભૂતકાળની 'ખામ' (KHAM) થીયરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ટૂંકા ગાળાના ફાયદા માટે જો આ કરોડરજ્જુને તોડવામાં આવશે, તો જે હાલત કોંગ્રેસની થઈ હતી તેવી જ સ્થિતિ ભાજપની પણ થઈ શકે છે.
પત્રના અંતે તેમણે આ વિષયને અત્યંત ગંભીરતાપૂર્વક લઈ યોગ્ય નિર્ણય લેવા નમ્ર વિનંતી કરી છે, કારણ કે આ બાબત ગુજરાત, ભાજપ અને તમામ વર્ગો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
