<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

બાંધકામ શ્રમિકોના હિતાર્થે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરીનું અમદાવાદથી ગાંધીનગર સ્થળાંતર

વહીવટી સરળતા અને કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી હવે તમામ અધિકૃત પત્રવ્યવહાર સેક્ટર-૧૦ સ્થિત 'કર્મયોગી ભવન'ના નવા સરનામે કરવાનો રહેશે

ગાંધીનગર: રાજ્યના લાખો બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને વિવિધ સહાયકારી યોજનાઓના અમલીકરણ માટે કાર્યરત ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા એક મહત્વનો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદ ખાતેથી કાર્યરત આ બોર્ડની મુખ્ય કચેરીને હવે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે. વહીવટી પ્રક્રિયાઓમાં વધુ સરળતા રહે અને શ્રમિકલક્ષી કામગીરીને વધુ સુદ્રઢ બનાવી શકાય તેવા શુભ આશય સાથે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

જૂનું સરનામું અને નવા સ્થળની વિગત:
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, આ કચેરી અગાઉ શ્રમ ભવન કમ્પાઉન્ડ, રૂસતમકામા માર્ગ, ગ્રાઉન્ડ ફ્લોર, અમદાવાદ ખાતે કાર્યરત હતી. હવે આ તમામ કામગીરી ગાંધીનગર ખાતે ખસેડવામાં આવી છે. નવી કચેરીનું સરનામું "કર્મયોગી ભવન", પહેલો માળ, એફ-૧ વિંગ, બ્લોક-૩, સેક્ટર-૧૦-એ, ગાંધીનગર નક્કી કરવામાં આવ્યું છે. હવેથી બોર્ડની તમામ વહીવટી પ્રવૃત્તિઓ આ નવા સ્થળેથી જ સંચાલિત થશે.

પત્રવ્યવહાર માટે સૂચના:
બોર્ડની યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ સંબંધિત સરકારી વિભાગો, સંસ્થાઓ, અર્ધ-સરકારી કચેરીઓ અને સામાન્ય નાગરિકોએ આ ફેરફારની ખાસ નોંધ લેવાની રહેશે. હવે પછીનો કોઈપણ પ્રકારનો અધિકૃત પત્રવ્યવહાર, અરજીઓ કે દસ્તાવેજી આપ-લે અમદાવાદના જૂના સરનામે કરવાને બદલે ગાંધીનગરના ‘કર્મયોગી ભવન’ ખાતે દર્શાવેલ નવા સરનામે જ કરવાની રહેશે. આ સ્થળાંતરથી રાજ્ય સ્તરના અન્ય વિભાગો સાથેના સંકલનમાં વધુ ગતિ આવશે અને બાંધકામ શ્રમિકોને મળતી સહાયની પ્રક્રિયા વધુ ઝડપી બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

(5:40 PM IST)