News of Monday, 6th April 2026
હાલોલ-પાવાગઢ રોડ પર હોટેલ હેરિટેજ પાછળ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી :12 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે: ભારે ફફડાટ
પ્લાસ્ટિક, રબર અને લાકડા જેવી જ્વલનશીલ સામગ્રીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું :આસપાસના વિસ્તારમાં ભારે ચિંતા પ્રસરાવી

પાવાગઢ રોડ પર આવેલી હોટેલ હેરિટેજ પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે આસપાસના વિસ્તારમાં ભારે ચિંતા પ્રસરાવી છે. પ્લાસ્ટિક, રબર અને લાકડા જેવી જ્વલનશીલ સામગ્રીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલોલ-પાવાગઢ રોડ પર આવેલી હોટેલ હેરિટેજની પાછળના ભાગમાં આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આજે અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, રબર, ટાયર અને લાકડા જેવો જ્વલનશીલ સામાન સંગ્રહિત હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. આગ લાગવાની ઘટનાને પગલે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
આગ લાગ્યાની ઘટનાની જાણ થતા જ હાલોલ અને કાલોલ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, આગની તીવ્રતા વધુ હોવાથી સ્થિતિને કાબૂમાં લેવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની ફાયર ટીમોને પણ તાત્કાલિક બોલાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં અંદાજે 12 જેટલી ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને ફાયર જવાનો સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો સઘન પ્રયાસ કરી રહ્યા છે. પ્લાસ્ટિક અને રબરના કારણે આગના જ્વાળાઓ સતત ભભૂકી રહી છે, જેના કારણે બુઝાવવાની કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
