News of Tuesday, 7th April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગ માટે ભાજપનું મંથન તેજ : મુખ્યમંત્રી નિવાસ્થાને ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ : 50 ટકા નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ શક્યતા
ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારોના નામો પર આખરી મહોર મારવા કવાયત : અમદાવાદ, રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓ માટે રણનીતિ ઘડાશે : પસંદગી પામેલા દાવેદારોને ફોન દ્વારા ગુપ્ત રીતે જાણ કરાશે

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે વિજયી રણનીતિ ઘડવા માટે કમર કસી છે. રાજ્યના પાટનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજથી ત્રણ દિવસ સુધી ચાલનારી હાઈપ્રોફાઈલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. આ બેઠકમાં માત્ર ચૂંટણીની વ્યુહરચના જ નહીં, પરંતુ મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સક્ષમ ઉમેદવારોના નામો નક્કી કરવા માટે મેરેથોન મંથન હાથ ધરવામાં આવશે.
ઉમેદવારોના પસંદગીના નવા સમીકરણો:
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ભાજપ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા પાયે ફેરફાર કરવાના મૂડમાં છે. પક્ષ દ્વારા 50 ટકાથી વધુ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે. જેમાં 20 ટકા ચહેરાઓ તદ્દન નવા હશે, જ્યારે અંદાજે 30 ટકા જેટલા વર્તમાન સભ્યોને રિપીટ કરવામાં આવે તેવું આયોજન છે. આ બેઠક બાદ જે ઉમેદવારોના નામ ફાઈનલ થશે, તેમને કોઈપણ ગેરસમજ ટાળવા માટે વ્યક્તિગત રીતે ફોન દ્વારા જાણ કરવામાં આવશે. અંતિમ યાદી જાહેર ન થાય ત્યાં સુધી આ સમગ્ર પ્રક્રિયામાં ભારે ગુપ્તતા જાળવવામાં આવશે.
મહાનગરપાલિકાઓ પર વિશેષ ધ્યાન:
આ બેઠકમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવારોના નામો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કોંગ્રેસે તેના 92 ઉમેદવારોના નામ જાહેર કરી મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે તેની સામે ભાજપ સબળ ઉમેદવારોની પસંદગી કરવા મથામણ કરી રહ્યું છે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્વે ઝોન સંકલન સમિતિની બેઠક યોજાશે, જેમાં પ્રદેશવાર મળેલા પ્રતિસાદના આધારે સમીકરણોનું મૂલ્યાંકન કરી ચૂંટણી સમિતિ આખરી નિર્ણય લેશે.
દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં મંથન:
પ્રદેશ ચૂંટણી સમિતિની આ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવી સહિતના મુખ્ય નેતાઓ હાજર રહ્યા છે. આ ઉપરાંત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત કુલ 19 જેટલા દિગ્ગજ નેતાઓની ટીમ ઉમેદવારોના ગુણદોષ અને જીતના સમીકરણો પર ચર્ચાઓ કરી રહી છે. સ્થાનિક સંસ્થાઓની આ ચૂંટણીના પરિણામો રાજ્યના ભવિષ્યના રાજકીય સમીકરણો પર સીધી અસર કરતા હોવાથી ભાજપ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી. આગામી બે દિવસમાં તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ સ્પષ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
