News of Tuesday, 7th April 2026
ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : વન વિભાગના ઉચ્ચ IFS અધિકારીઓ સહિત સચિવાલયના અધિકારીઓની સામુહિક બદલી : જુઓ સંપૂર્ણ સૂચિ
અનિરુદ્ધ પ્રતાપ સિંહની વડોદરા GSFDC ખાતે નિમણૂક : જયપાલ સિંહને PCCF નો વધારાનો ચાર્જ સોંપાયો : સચિવાલયના નાયબ અને ઉપ સચિવોની પણ અન્યત્ર બદલી

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કરતા વન અને પર્યાવરણ વિભાગ તેમજ સામાન્ય વહીવટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્યપાલના હુકમથી કરવામાં આવેલી આ બદલીઓમાં વન વિભાગના વરિષ્ઠ IFS અધિકારીઓથી લઈને સચિવાલયના ક્લાસ-૧ અધિકારીઓનો સમાવેશ થાય છે.
વન વિભાગમાં ઉચ્ચ સ્તરે બદલીઓ અને નિમણૂક:
વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા અનુસાર છ જેટલા વરિષ્ઠ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે:
* ડૉ. અનિરુદ્ધ પ્રતાપ સિંહ (IFS): ગાંધીનગર ખાતે પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (PCCF) અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ તરીકે કાર્યરત હતા, તેમની બદલી વડોદરા ખાતે ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે.
* ડૉ. જયપાલ સિંહ (IFS): તેઓ ગાંધીનગર ખાતે PCCF (વાઇલ્ડલાઇફ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન તરીકે કાર્યરત છે, જેમને હવે પછીના આદેશ સુધી ગાંધીનગરના 'હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ' (PCCF) નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
* ડૉ. સંદીપ કુમાર (IFS): વડોદરા સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ પદેથી બદલી કરીને તેમને ગાંધીનગર ખાતે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (વર્કિંગ પ્લાન) તરીકે નિમણૂક અપાઈ છે. તેઓ એસ. કે. શ્રીવાસ્તવને વધારાના હવાલામાંથી મુક્ત કરશે.
* ડૉ. અંશુમન શર્મા (IFS): વડોદરા GSFDC ના મેનેજિંગ ડિરેક્ટર પદેથી બદલી કરીને તેમને ગાંધીનગર ખાતે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (D & M) તરીકે મૂકવામાં આવ્યા છે.
* નિશા રાજ (IFS): કેવડિયા વાઇલ્ડલાઇફ સર્કલના કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ તરીકે ફરજ બજાવતા નિશા રાજને હવે વડોદરા સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સનો વધારાનો હવાલો સોંપાયો છે.
* સાદિક સલાઉદ્દીન મુજાવર (IFS): ગાંધીનગર ખાતે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (એડમિનિસ્ટ્રેશન) તરીકે ફરજ બજાવતા હતા, જેમને બદલી કરીને ગાંધીનગર ખાતે જ ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (PLO) તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ ચંદ્રેશ શાનાદરેને આ જવાબદારીમાંથી મુક્ત કરશે.
સચિવાલયના અધિકારીઓની બદલી:
સામાન્ય વહીવટ વિભાગના આદેશ મુજબ અન્ય બે અધિકારીઓની પણ તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે:
૧. આસવ પી. ગઢવી : તેઓ વન અને પર્યાવરણ વિભાગમાં નાયબ સચિવ તરીકે સેવા આપતા હતા, જેમને હવે ભાવનગર ખાતે 'ડેપ્યુટી કન્ટ્રોલર, સિવિલ ડિફેન્સ' તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે.
૨. હિમાંશુ યુ. ગોહીલ: વન અને પર્યાવરણ વિભાગના ઉપ સચિવ પદેથી બદલી કરીને તેમની નિમણૂક અમદાવાદ ખાતે 'સરકારી વકીલશ્રીની કચેરી' માં ઉપ સચિવ તરીકે કરવામાં આવી છે.
સરકારના આ આદેશોની અમલવારી તાત્કાલિક અસરથી કરવાની રહેશે તેમ નાયબ સચિવ સિમરન પોપટાણી અને વન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. વિનોદ આર. રાવની સહીથી જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
