<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ગુજરાત સજ્જ : કોમનવેલ્થ સ્પોર્ટ ટીમની પ્રથમ મુલાકાત સાથે ગાંધીનગરમાં પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ શરૂ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટાઈમ બાઉન્ડ અને ઇફેક્ટિવ પ્લાનિંગના મંત્ર સાથે ભવ્ય આયોજન માટે વ્યક્ત કરી કટિબદ્ધતા : ટીમ અમદાવાદ-વડોદરા અને એકતાનગરમાં રમતગમતના સ્થળોની લેશે મુલાકાત

ગાંધીનગર:ગુજરાત અને અમદાવાદના આંગણે વર્ષ 2030માં યોજાનારી ઐતિહાસિક શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના ભાગરૂપે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ પ્રથમવાર રાજ્યની સત્તાવાર મુલાકાતે આવી પહોંચી છે. કોમનવેલ્થ સ્પોર્ટ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ સાથે આવેલી આ ટીમ 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ રમતગમતના સ્થળોનું નિરીક્ષણ અને અભ્યાસ કરશે.

**વડાપ્રધાનના મંત્ર સાથે ટીમવર્કથી આયોજન:**
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ટાઇમ બાઉન્ડ, ક્વોલિટેટિવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના મંત્રને સાકાર કરીને 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સને ભવ્યતાપૂર્વક પાર પાડવા રાજ્ય સરકાર કમિટેડ છે. તેમણે વિશ્વાસ આપ્યો હતો કે સફળ સંચાલન માટે જરૂરી તમામ અત્યાધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્ય સરકાર દ્વારા ઝડપથી પૂરું પાડવામાં આવશે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતમાં મળેલા ઉષ્માપૂર્ણ આતિથ્ય સત્કારની પ્રશંસા કરી હતી.

**ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ માટે મુખ્યમંત્રીને નિમંત્રણ:**
આ બેઠક દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે આગામી 23 જુલાઈ, 2026થી ગ્લાસગોમાં શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરતા ખાતરી આપી હતી કે ગુજરાતનું પ્રતિનિધિમંડળ ગ્લાસગોની મુલાકાત લેશે. ડોનાલ્ડ રૂકરેએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપ હેઠળ રમત-ગમત ક્ષેત્રે અપાઈ રહેલા પ્રોત્સાહનની સરાહના કરતા જણાવ્યું હતું કે, 2030ની ગેમ્સ સાંસ્કૃતિક વાઇબ્રન્સીની અનુભૂતિ કરાવનારો એક મોટો ખેલ ઉત્સવ બની રહેશે.

**રમતગમતના વિવિધ સ્થળોની સાઇટ વિઝીટ:**
ગુજરાતની આ મુલાકાત દરમિયાન ડેલીગેશન દ્વારા આગામી દિવસોમાં જે સ્થળો પર રમતો યોજાવાની છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે. આ ટીમ અમદાવાદમાં વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને એકા એરેનાની મુલાકાત લેશે. આ ઉપરાંત વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતાનગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની તૈયારીઓનું પણ નિરીક્ષણ કરવામાં આવશે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી વાળા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને ગુજરાતના ઉત્સાહપૂર્ણ સહયોગથી આ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ જ્વલંત સફળતા પ્રાપ્ત કરશે તેવી અપેક્ષા કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે વ્યક્ત કરી છે.

(12:06 PM IST)