<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

પાટણના સાંતલપુર હાઈવે પર ટેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત: 3 લોકોના કમકમાટીભર્યા મોત

સાંતલપુર નેશનલ હાઈવે પર એક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત:કારનો કચ્ચરઘાણ નીકળી ગયો:કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઈવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર પૂરઝડપે જઈ રહેલા એક ટેન્કર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટક્કરના અવાજને પગલે આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર મુસાફરો હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

આ કમકમાટીભર્યા અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક અકસ્માતની જાણ થતા જ સાંતલપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પોલીસે હળવો કરાવ્યો હતો. ટેન્કર ચાલકની બેદરકારી હતી કે કાર ચાલકની, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પાટણ પંથકમાં આ અકસ્માતને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

(9:32 PM IST)