News of Friday, 10th April 2026
ગુજરાતના રસ્તાઓ પર મોતની સવારીઃ દર કલાકે એકનું મોત અને બે અકસ્માત
રાજ્યમાં વાહનોની સંખ્યા વધવાના સાથે જીવલેણ અકસ્માતની સંખ્યા વધી રહી છે ૨૦૨૧થી ૨૦૨૫ દરમિયાન રાજ્યમાં માર્ગ અકસ્માતની કુલ ૭૯,૦૫૪ ઘટના બની હતી. જેમાં ૩૮,૫૩૦ લોકોએ જીવ ગુમાવ્યા

અમદાવાદ તા.૧૦: રાજ્યમાં વાહનોની સંખ્યા વધવાના સાથે જીવલેણ અકસ્માતની સંખ્યા વધી રહી છે. રોજબરોજ રાજ્યના કોઈને કોઈ ખૂણામાં અકસ્માતના બનાવ સામે આવતા રહે છે. RTI અંતર્ગત માંગવામાં આવેલી માહિતીમાં ગુજરાતમાં માર્ગ સલામતીની વરવી વાસ્તવિકતા સામે આવી હતી. વર્ષે ૨૦૨૧ થી ૨૦૨૫ દરમિયાન રાજ્યમાં માર્ગ અકસ્માતની કુલ ૭૯,૦૫૪ ઘટના બની હતી. જેમાં ૩૮,૫૩૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલે કે રાજ્યમાં દર કલાકે અકસ્માની બે ઘટના અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ આંકડાઓ રાજ્યમાં સતત વધી રહેલી માર્ગ દુર્ઘટનાઓ અને મૃત્યુઆંક તરફ આંગળી ચીંધે છે.
અમદાવાદના ઘાટલોડિયાના રહેવાસી એક યુવકે આરટીઆઈ કરી હતી. જેમાં આપવામાં આવેલા જવાબ મુજબ, સૌથી વધુ મૃત્યુ વર્ષ ૨૦૨૨માં નોંધાયા હતા, જેમાં ૯,૯૫૪ લોકોના મોત થયા હતા. વર્ષ ૨૦૨૫માં સૌથી વધુ ૫૬,૧૦૦ અકસ્માત નોંધાયા હતા. આ પાંચ વર્ષના ગાળામાં સરેરાશ દર કલાકે એક વ્યક્તિનું મોત થયું હતું અને દર કલાકે લગભગ બે અકસ્માતો સર્જાયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના અકસ્માતો ઓવર-સ્પીડિગ (અતિશય ઝડપ) અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે થાય છે. મૃતકોમાં રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોનું પ્રમાણ સૌથી વધુ છે. આ સિવાય હાઈવે પર ભારે વાહનોનું અપૂરતું મોનિટરિગ અને રાહદારીઓ માટે નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પણ મુખ્ય ચિંતાનો વિષય છે. ગુજરાતમાં હાલ અંદાજે ૨.૯ કરોડ નોંધાયેલા વાહનો છે, પરંતુ તેની સામે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેટલી ઝડપે વધ્યું નથી. આ ઉપરાંત રાજ્યમાં હિટ એન્ડ રનની વધતી ઘટના માર્ગ સલામતી માટે એક મોટી ચિંતા તરીકે ઉભરી આવ્યા હતા. ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન રાજ્યમાં કુલ ૯૫૯૭ બનાવો નોંધાયા છે. લોકસભામાં લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં વાર્ષિક સરેરાશ ૧૮૦૦ થી વધુ ઘટનાઓ બને છે, અર્થાત્ રોજની સરેરાશ ૫ ઘટના બને છે
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
