<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ભાજપનું નવું સોશિયલ મીડિયા કેમ્‍પેન, ‘‘ઉમેદવાર નહીં, કમળ મહત્‍વનું''

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ટિકિટ ના આપતા ઉમેદવારોના ભારે વિરોધ બાદ ભાજપ સંગઠનનું કેમ્‍પેન શરૂ કરવામાં આવ્‍યું

અમદાવાદ,તા.૧૧: સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી પહેલા ઉમેદવારોની જાહેરાત બાદ ઉભા થયેલા વિરોધના માહોલને ધ્‍યાનમાં રાખીને ભાજપ સંગઠને નવી રણનીતિ અપનાવી છે. ટિકિટ ન મળતા અસંતોષ વ્‍યક્‍ત કરનારા કાર્યકરો અને સંભવિત ઉમેદવારોના ભારે વિરોધ વચ્‍ચે હવે પાર્ટીએ સોશિયલ મીડિયા કેમ્‍પેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે

પાર્ટી દ્વારા શરૂ કરાયેલા આ કેમ્‍પેનમાં ઉમેદવાર કરતાં પક્ષને વધુ પ્રાધાન્‍ય આપવાની વ્‍યૂહરચના અપનાવવામાં આવી છે. ખાસ કરીને ‘‘ઉમેદવાર નહીં, પક્ષને વોટ આપો'' જેવા સંદેશા દ્વારા મતદાતાઓને સીધી અપીલ કરવામાં આવશે. ભાજપનું ચૂંટણી ચિホ ‘‘કમળ''ને કેન્‍દ્રમાં રાખીને મતદાન માટે પ્રચાર તેજ બનાવાશે.

સૂત્રો મુજબ, આ અભિયાન અંતર્ગત તમામ આગેવાનો અને કાર્યકરોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર પક્ષના સમર્થનમાં સ્‍ટેટ્‍સ અને પોસ્‍ટ્‍સ મૂકવાની સૂચના આપવામાં આવી છે. એક જ સંદેશાને વ્‍યાપક બનાવવાના ઉદ્દેશ્‍યથી સંગઠન દ્વારા સંકલિત પ્રયાસ હાથ ધરવામાં આવ્‍યા છે.

વિરોધની પરિસ્‍થિતિ વચ્‍ચે પાર્ટી એકતા જાળવી રાખવા અને મતદાતાઓમાં સકારાત્‍મક સંદેશ પહોંચાડવા આ અભિયાન મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે ભાજપની આ નવી ડિજિટલ વ્‍યૂહરચના ચૂંટણીના પરિણામોમાં કેટલો પ્રભાવ પાડે છે.

 

(10:03 AM IST)