<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

આ વખતે ચુંટણીમાં ‘‘પોલ મોનિટરિંગ સિસ્‍ટમ'': બધી બાબતો ઓનલાઇન મળશેઃ ૨૦૧૫થી આજ સુધીનો ડેટા

મતદારોની સંખ્‍યા-નામાંકન-ઉમેદવારી સંખ્‍યા વોર્ડ વાઇઝ મતદારો કોઇપણ નાગરીક જોઇ શકશે

રાજકોટ તા. ૧૧:- રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓ મુક્‍ત, ન્‍યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજવા માટે રાજ્‍ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ તબક્કે ટેક્‍લોલોજીનો વ્‍યાપક ઉપયોગ કરવામાં આવ્‍યો છે. રાજ્‍ય ચૂંટણી પંચે ‘પોલ મોનિટરિંગ સિસ્‍ટમ' પોર્ટલ વિકસાવ્‍યું છે. જેના પર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતમાં બેઠક કે વોર્ડવાઈઝ મતદારોની સંખ્‍યા, થયેલા નામાંકનની સંખ્‍યા અને ઉમેદવારોની સંખ્‍યા વગેરે વિગતો ઓનલાઈન જ જોવા મળે છે. પત્રકારો, સમાચાર માધ્‍યમોથી લઈને સામાન્‍ય નાગરિકો સરળતાથી મોબાઈલ કે કમ્‍પ્‍યુટરમાં લોગીન કરીને ચૂંટણીલક્ષી વિગતો સહેલાઈથી જોઈ શકે છે.

આ પોર્ટલના ઉપયોગ માટે સૌથી પહેલા sec-poll.gujarat.gov.iઁ સાઈટ પર જવાનું રહે છે. જેમાં ચૂંટણીના પ્રકારમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા કે જિલ્લા પંચાયત વગેરે જેની વિગતો જાણવી હોય તેને સિલેક્‍ટ કરવાનું રહે છે.

એ પછી નીચેના ખાનામાં જે-તે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના કોડ સાથે APR-2026 કોડ પસંદ કરવાનો રહે છે. જેમ કે, મહાનગરપાલિકાની વિગતો જાણવા MNP-APR-2026 (મહાનગરપાલિકા ચૂંટણી એપ્રિલ ૨૦૨૬) કોડ પસંદ કરવો. નગરપાલિકાની વિગતો માટે NPE-APR૨૦૨૬ પસંદ કરવું. જિલ્લા પંચાયત માટે DPE-APR2026 તો તાલુકા પંચાયત માટે TPE-APR2026 વિકલ્‍પ પસંદ કરવો.

એ પછી આપેલી ટેક્‍સ્‍ટ દાખલ કરીને લોગીન પર ક્‍લીક કરતાં, પોર્ટલનું હોમ પેજ ખુલે છે. જેમાં ઈ-ડેશબોર્ડ, નોમીનેશન ડિટેઈલ્‍સ, રિઝલ્‍ટ જેવા વિકલ્‍પો આપેલા છે. આ વિકલ્‍પો પર ક્‍લીક કરીને, ત્‍યાં ઉપલબ્‍ધ વિવિધ વિગતો જોઈ શકાય છે. જેમ કે, કયા વોર્ડમાં કે બેઠક પર પુરુષ, મહિલા મતદારો કેટલા છે, કેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા છે, કેટલા રદ થયા, કેટલા હરીફ ઉમેદવારો, કેટલા બિનહરીફ ઉમેદવારો આ બધી વિગતો ત્‍યાં ઉપલબ્‍ધ હોય છે. અલબત્ત વર્તમાન સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા હજુ ચાલુ છે, ત્‍યારે અદ્યતન વિગતો સતત અપડેટ થતી રહે છે.

મહત્‍વનું છે કે, વર્ષ ૨૦૧૫થી લઈને અત્‍યાર સુધીની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓનો ડેટા આ પોર્ટલ પર ઉપલબ્‍ધ છે. નાગરિકો જૂની ચૂંટણીની વિગતોનો પણ તેના પર સરળતાથી અભ્‍યાસ કરી શકે છે. 

(1:44 PM IST)