News of Saturday, 11th April 2026
સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ગાંગાણીનો આપઘાતનો પ્રયાસ; મતદાર યાદીમાં નામ ન આવ્યું, તંત્રથી કંટાળ્યા હોવાનો આક્ષેપ
ફોર્મ ભર્યા બાદ છેલ્લા 15 દિવસથી તેમનું નવું ચૂંટણી કાર્ડ પણ આવી ગયું છે, અને તે ઓનલાઈન બતાવે છે. તેમ છતાં ઉમેદવારી નોંધાવવા માટેની પ્રક્રિયામાં મુશ્કેલી : ગૌશાલી ગાંગાણી

સુરત તા.૧૧ : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરતમાં એક ગંભીર ઘટના સામે આવી છે. સુરત મનપાના વોર્ડ નંબર 14 ના આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર ગૌશાલી ગાંગાણીએ કલેક્ટર કચેરી ખાતે જ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ચૂંટણી કાર્ડ હોવા છતાં ઓનલાઇન નામ નથી
આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા ઉમેદવારનું નામ ગૌશાળી ગાંગાણી છે, જેઓ સુરતના વોર્ડ નંબર 14 (માતાવાડી કરંજ) માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. ગૌશાળીબેને પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, મારું ચૂંટણી કાર્ડ રદ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે પ્રશ્ન કરતા તેમને 6 નંબરનું ફોર્મ ભરવા જણાવાયું હતું.
ગૌશાળીબેને વધુમાં જણાવ્યું કે, ફોર્મ ભર્યા બાદ છેલ્લા 15 દિવસથી તેમનું નવું ચૂંટણી કાર્ડ પણ આવી ગયું છે, અને તે ઓનલાઈન બતાવે છે. તેમ છતાં ઉમેદવારી નોંધાવવા માટેની પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી હતી. તેઓ જિલ્લા સેવાસદન અને મુગલીસરા સહિત અનેક કચેરીમાં ફર્યા હતા, પરંતુ કોઈએ તેમને લેખિતમાં બાંહેધરી આપી ન હતી કે તેમનું નામ યાદીમાં ચડાવી દેવામાં આવશે.
"હું ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં આવી છું"
ગૌશાળી ગાંગાણીએ જણાવ્યું કે. ગઈકાલે સાંજે જ આમ આદમી પાર્ટી દ્વારા તેમને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમનું નામ ઓનલાઈન બતાવતું ન હોવાથી ફોર્મ ભરવાની પ્રક્રિયા અટવાઈ હતી. ભારતની નાગરિક હોવા છતાં ન્યાય ન મળતા અને સતત ત્રણ દિવસથી તંત્ર દ્વારા ધક્કા ખવડાવવામાં આવતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
તેમણે વધુમાં એક ચોંકાવનારો ખુલાસો કરતા એમ પણ જણાવ્યું હતું કે, અગાઉ તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં હતા, અને ત્યાંથી પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તમામ બાબતો વચ્ચે કચેરીમાંથી કોઈ સંતોષકારક જવાબ ન મળતાં અને ફોર્મ ન ભરાતા કંટાળીને તેમણે આખરે ફિનાઈલ ગટગટાવી લીધું હતું.
સતત ધક્કા ખાઈને કંટાળ્યા મહિલા ઉમેદવાર
તંત્રમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા યોગ્ય જવાબ ન મળવાથી અને સતત ધક્કા ખાવાને કારણે અંતે કંટાળીને તેમણે આ આત્યંતિક પગલું ભર્યું અને પોતે ઝેરી દવા પીધી હોવાની કબૂલાત કરી હતી. ચૂંટણી પંચ આ બાબતે હવે શું કાર્યવાહી કરે છે તે અંગે તેમણે જણાવ્યું હતું કે આગળ જે થશે તે ચૂંટણી પંચ જોશે.
આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચી રહ્યા છે. ત્યારે આ ઘટનાના કારણે સુરતના રાજકીય માહોલમાં ભારે ચકચાર મચી ગઈ છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
