News of Sunday, 12th April 2026
બિઝનેસ પાર્ટીના બહાને આણંદના આલીશાન ફાર્મ હાઉસમાં જામી હતી દારૂની મહેફિલ: પોલીસે મધરાતે ત્રાટકી વડોદરાના ૧૮ નબીરાઓની કરી ધરપકડ
ઓડી અને XUV સહિત ૧.૦૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે હાઈપ્રોફાઈલ રંગીન મહેફિલનો કર્યો પર્દાફાશ: ૧૫ પુરુષો અને ૩ મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલાયા, ૨૨ કિંમતી આઈફોન કબજે કરાયા

આણંદ:ચરોતર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા એક કિસ્સામાં આંકલાવ પોલીસે રવિવારે મધરાતે ઉમેટા રોડ પર આવેલા એક આલીશાન ફાર્મ હાઉસમાં દરોડો પાડી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપી પાડી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બિઝનેસ મીટિંગના નામે અહીં વડોદરાના પ્રતિષ્ઠિત પરિવારોના નબીરાઓ દારૂના નશામાં ચકચૂર બની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે મહિલા પોલીસ સહિતના કાફલાએ મધરાતે ફાર્મ હાઉસને ઘેરી લઈને ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસના આ દરોડાથી ફાર્મ હાઉસમાં અફરાતફરી મચી ગઈ હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી બ્રાન્ડેડ બિયરના ૧૭ સીલબંધ ટીન અને ૨૧ ખાલી ટીન મળી આવ્યા હતા, જે સાબિત કરે છે કે અહીં મોટા પાયે નશાની મિજબાની ચાલી રહી હતી.
આ હાઈપ્રોફાઈલ રેડમાં પોલીસે કુલ ૧૮ લોકોની અટકાયત કરી છે, જેમાં વડોદરાના પોશ વિસ્તારના ૧૫ પુરુષો અને ૩ મહિલાઓનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ સમાજમાં મોભો ધરાવતા પરિવારોમાંથી આવે છે. પોલીસે ઘટનાસ્થળેથી ઓડી (Audi), મહિન્દ્રા XUV 700 અને ક્રેટા જેવી ૮ લક્ઝરી કાર તેમજ આઈફોન ૧૫ પ્રો મેક્સ સહિત ૨૨ મોંઘા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા વાહનો અને ગેજેટ્સની કુલ કિંમત ૧.૦૪ કરોડ રૂપિયાથી વધુ અંકાય રહી છે. પ્રાથમિક પૂછપરછમાં એવું પણ બહાર આવ્યું છે કે ફાર્મ હાઉસના માલિકે પોતાના સંબંધીઓને ખાનગી પાર્ટી માટે આ જગ્યા આપી હતી, જેનો દુરુપયોગ દારૂની મહેફિલ સજાવવા માટે કરવામાં આવ્યો હતો.
આંકલાવ પોલીસે તમામ ૧૮ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના ધનિક નબીરાઓની ધરપકડના સમાચાર વાયુવેગે ફેલાતા જ આણંદ અને વડોદરાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસે આરોપીઓના બ્લડ સેમ્પલ લઈને તેમને મેડિકલ તપાસ માટે મોકલી આપ્યા છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ અગાઉ પણ અહીં આવી કોઈ મહેફિલ જામી હતી કે કેમ. આ કાર્યવાહીને પગલે આસપાસના ફાર્મ હાઉસ માલિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
