<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

સુરત મનપાની ચૂંટણીમાં લોકશાહીનો મહાકુંભ: ૧૨૦ બેઠકો માટે ૮૦૦થી વધુ દાવેદારો મેદાને પડતા રાજકીય ગરમાવો ચરમસીમાએ

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોની અભૂતપૂર્વ ભીડ ઉમટતા તંત્રને ‘ટોકન પદ્ધતિ’ અમલી બનાવવાની પડી ફરજ: ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જામશે રસાકસીભર્યો ત્રિપાંખિયો જંગ અને મંગળવારે ફોર્મ ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર થશે સ્પષ્ટ

સુરત:દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને સુરત મહાનગરપાલિકાના સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે રાજકીય પક્ષોએ કમર કસી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત મનપાની ૧૨૦ બેઠકો પર ૮૦૦થી વધુ ઉમેદવારી પત્રો ભરાતા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કોંગ્રેસે તમામ ૧૨૦ બેઠકો પર પોતાના જોરદાર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ૧૧૪ બેઠકો પર દાવ ખેલ્યો છે. જિલ્લા સેવા સદન કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોની ભીડ એટલી પ્રચંડ હતી કે વહીવટી તંત્રને વ્યવસ્થા જાળવવા માટે બપોર બાદ ‘ટોકન પદ્ધતિ’ દાખલ કરવાની ફરજ પડી હતી. નિર્ધારિત સમય મર્યાદા બાદ પણ કચેરી સંકુલમાં હાજર રહેલા ઉમેદવારોની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવી હતી.

ચૂંટણી જંગમાં આ વખતે માત્ર મુખ્ય પક્ષો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં અપક્ષ અને અન્ય નાની પાર્ટીઓના ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા મુખ્ય ઉમેદવારોની સાથે ડમી ઉમેદવારોના ફોર્મ પણ ભરાવવામાં આવ્યા છે જેથી ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થાય તો પક્ષની બેઠક ખાલી ન રહે. સુરત મહાનગરપાલિકાના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો પર આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે તેવી પૂરેપૂરી સંભાવના છે. સુરત જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે પણ ૧૫૦થી વધુ ફોર્મ ભરાતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ વખતના રસાકસીભર્યા જંગમાં મતદારોનો મિજાજ પારખવો ત્રણેય પક્ષો માટે મોટો પડકાર બની રહેશે.

હવે સૌની નજર સોમવારે થનારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પર ટકેલી છે. સોમવારે સ્ક્રુટિની બાદ કેટલા ફોર્મ માન્ય રહે છે અને કેટલા રદ થાય છે તેની વિગતો સામે આવશે. ત્યારબાદ મંગળવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે કે મેદાનમાં ખરેખર કેટલા લડવૈયાઓ બાકી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. શહેરમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની ગતિવિધિઓ પણ તેજ કરી દેવામાં આવી છે, જેના કારણે ડાયમંડ સિટી સુરત અત્યારે ચૂંટણીના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે.

(5:05 PM IST)