News of Sunday, 12th April 2026
ગુજરાત પર કુદરતનો ત્રિપલ એટેક: અંબાલાલ પટેલે આગઝરતી ગરમી વચ્ચે ભયાનક વાવાઝોડા અને કમોસમી વરસાદની કરી ઘાતક આગાહી
એપ્રિલના અંત સુધીમાં પારો ૪૪ ડિગ્રી વટાવશે અને મે મહિનામાં અરબ સાગર-બંગાળની ખાડીમાં સર્જાશે ખતરનાક ચક્રવાત: ૧૮થી ૨૨ એપ્રિલ દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે પ્રી-મોન્સૂન એક્ટિવિટી સાથે આકાશમાંથી આફત વરસી શકે છે

અમદાવાદ:ગુજરાતમાં બદલાતા હવામાનના મિજાજ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે અત્યંત ચોંકાવનારી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે એપ્રિલ મહિનાના મધ્યમાં એટલે કે ૧૨થી ૧૪ એપ્રિલ દરમિયાન ગરમી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે, જેના કારણે રાજ્યભરમાં એસી અને પંખાનો ધમધમાટ વધી જશે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અંગ દઝાડતી લૂ ફૂંકાશે અને તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ૨૦ એપ્રિલ સુધી ગરમીનો આતંક યથાવત રહેશે, પરંતુ તેની સાથે જ ૧૬-૧૭ એપ્રિલથી સક્રિય થનારા પશ્ચિમી વિક્ષેપને કારણે વાતાવરણમાં પલટો આવશે, જે કાળઝાળ ગરમી વચ્ચે લોકોને પરસેવે રેબઝેબ કરી મૂકશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, માત્ર ગરમી જ નહીં પરંતુ કમોસમી વરસાદ અને વાવાઝોડાનું જોખમ પણ રાજ્ય પર તોળાઈ રહ્યું છે. ૧૮થી ૨૨ એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વીજળીના કડાકા-ભડાકા સાથે પ્રી-મોન્સૂન વરસાદ પડી શકે છે. ૨૬ એપ્રિલ બાદ હવામાન ફરી કરવટ બદલશે અને મે મહિનાની શરૂઆતમાં ‘કાળી આંધી’ તેમજ વંટોળિયા આવવાની ભીતિ સેવાઈ રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે જ પવનની ગતિમાં પણ ક્રમશઃ વધારો થશે, જે સંભવિત કુદરતી આફતના સંકેત આપી રહ્યા છે.
મે મહિનાના મધ્યમાં એટલે કે ૧૧થી ૨૦ મે દરમિયાન અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા સક્રિય થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જો આ વાવાઝોડાની ગતિ ઓમાન તરફ ફંટાય તો ગુજરાતને રાહત મળી શકે છે, અન્યથા દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ જોવા મળશે. ગરમીના ઉકળાટને કારણે અચાનક લો-પ્રેશર સર્જાતા ક્યાંક કરા સાથે વરસાદ પણ પડી શકે છે. આમ, આગામી બે મહિના ગુજરાત માટે આકરા સાબિત થશે, જેમાં એક તરફ આભમાંથી અગનગોળા વરસશે તો બીજી તરફ વાવાઝોડા અને પવનના સુસવાટા જનજીવનને પ્રભાવિત કરશે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
