News of Sunday, 12th April 2026
હું હવે આઠમી ચૂંટણી નહીં લડું:દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખભાઇ વસાવાએ મોટા ફેરફારના સંકેત આપ્યો
તેમણે કહ્યું - પાર્ટી નવા યુવાનોને તક આપેઃ મારા પછી હવે યુવા કાર્યકરોને તૈયાર કરવા જોઇએઃ :ભરૂચ બેઠકથી 7 ટર્મથી સાંસદ છે મનસુખભાઈ વસાવા

ગુજરાતના દિગ્ગજ નેતા અને ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખભાઈ વસાવાએ સક્રિય રાજકારણમાં એક મોટા ફેરફારના સંકેત આપતા આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. 7 ટર્મથી સાંસદ તરીકે સેવા આપી રહેલા વસાવાએ હવે નવા યુવાનોને તક આપવાની હિમાયત કરી છે.
મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે પાર્ટી નવા અને યુવા કાર્યકરોને આગળ લાવે. તેમણે સ્પષ્ટ કર્યું કે, "મારા પછી હવે યુવા કાર્યકરોને તૈયાર કરવા જોઈએ, જેથી હું હવે આઠમી ચૂંટણી નહીં લડું."
મનસુખભાઈ ભરૂચ બેઠક પરથી સતત સાત વખત વિજેતા બની ચૂક્યા છે. તેમના આ નિર્ણયથી ભરૂચ-નર્મદા બેઠક પર હવે નવા નેતૃત્વ માટે માર્ગ મોકળો થયો છે.
તેમણે પક્ષના હિતમાં નવા ચહેરાઓને તક આપવાની વાત કરી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
મનસુખ વસાવાની આ જાહેરાત બાદ ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 7 ટર્મનો બહોળો અનુભવ ધરાવતા નેતા જ્યારે સ્વેચ્છાએ પીછેહઠ કરવાની વાત કરે છે, ત્યારે ભાજપ માટે આ બેઠક પર સક્ષમ યુવા ઉમેદવારની પસંદગી કરવી એક મોટો પડકાર બની રહેશે. આ નિવેદનને પગલે આગામી સમયમાં ભરૂચ-નર્મદા બેઠક પર નવા ચહેરાઓની સ્પર્ધા તેજ બનવાની શક્યતા છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
