News of Sunday, 12th April 2026
સુરતના મોટા વરાછામાં નબીરાને સ્ટંટ કરવો ભારે પડ્યો: પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
ભીડભાડવાળા રસ્તા પર સ્પોર્ટ્સ બાઈક સાથેના તેના જોખમી કરતબો જોઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા: વીડિયો વાયરલ થતાં જ પોલીસે યુવકે જાહેરમાં માફી મંગાવી

સુરત : શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નબીરાઓ દ્વારા જાહેર રસ્તાઓ પર જીવલેણ સ્ટંટ કરવાનું પ્રમાણ વધ્યું છે. આવો જ એક તાજો કિસ્સો મોટા વરાછા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક યુવકે પોતાની સ્પોર્ટ્સ બાઈક પર જોખમી કરતબો કરીને અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અરુણ ચૌહાણ નામનો આ નબીરો ટ્રાફિકથી ભરચક રસ્તા પર કોઈ પણ પ્રકારના ડર વગર બાઈકના આગળના વ્હીલ ઊંચા કરીને સ્ટંટ કરી રહ્યો હતો. આ પ્રકારના કૃત્યથી રસ્તા પર પસાર થતા નિર્દોષ નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વીડિયો ઉતારીને તેને સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવા માટે અપલોડ કરવામાં આવ્યો હતો, જે આખરે પોલીસ સુધી પહોંચ્યો હતો.
ઉત્રાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બાઈક નંબરના આધારે આરોપી અરુણ ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસે માત્ર તેની બાઈક જ જપ્ત નથી કરી, પરંતુ તેને કાયદાનું ભાન કરાવવા માટે જાહેરમાં કાન પકડાવી ઉઠક-બેઠક પણ કરાવી હતી. પોલીસની આ કડક કાર્યવાહી બાદ અન્ય સ્ટંટબાજોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર માર્ગો પર સ્ટંટ કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
