News of Sunday, 12th April 2026
અમદાવાદના ઓઢવમાં ત્રણ દિવસીય 'સૃષ્ટિ કથા' સંપન્ન : બ્રહ્માંડની ઉત્પત્તિના વૈદિક સિદ્ધાંતો સામે આધુનિક વિજ્ઞાનનો 'બિગ બેંગ' થિયરીનો દાવો આચાર્ય અગ્નિગ્રતે નકાર્યો
વેદ મંત્રોની ધ્વનિ અને ઓમકારના નાદમાંથી સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું હોવાનું વૈજ્ઞાનિક તર્ક સાથે પ્રતિપાદન : ટેકનોલોજી જો સૃષ્ટિના નિયમો વિરુદ્ધ જશે તો વિનાશ સર્જશે તેવી ગંભીર ચેતવણી સાથે વૈદિક ભૌતિક વિજ્ઞાન પર સંશોધન કરવા યુવા પેઢીને આહ્વાન

અમદાવાદ:ઓઢવ સ્થિત આર્ય સમાજ ખાતે ૧૦ થી ૧૨ એપ્રિલ દરમિયાન 'બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યો' વિષય પર ત્રણ દિવસીય 'સૃષ્ટિ કથા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે આર્ય સમાજ ઓઢવના મંત્રી દિનેશ શાહે મુખ્ય વક્તા અને 'વૈદિક તેમજ આધુનિક ભૌતિક વિજ્ઞાન શોધ સંસ્થાન' (રાજસ્થાન)ના સ્થાપક આચાર્ય અગ્નિગ્રતને ડૉ. વિવેક આર્ય લિખિત પુસ્તક અને સહ-વક્તા આચાર્ય વિશાલ આર્યને પંડિત નરેન્દ્રજી લિખિત પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા હતા.
વિસ્ફોટથી સર્જન નહીં પણ વિનાશ થાય: બિગ બેંગ થિયરીનું ખંડન:
મુખ્ય વક્તા આચાર્ય અગ્નિગ્રતે જણાવ્યું હતું કે આ સૃષ્ટિ કોઈ અકસ્માત કે મહાવિસ્ફોટ (બિગ બેંગ) થી નથી બની. વિસ્ફોટ હંમેશા વિનાશ કરે છે, સર્જન નહીં. સૃષ્ટિ શૂન્યમાંથી નહીં પરંતુ અનંત વોલ્યુમમાંથી ઉત્પન્ન થઈ છે. વેદ મંત્રોની ધ્વનિ દ્વારા સૂક્ષ્મ પદાર્થો સ્પંદિત થઈને આકાશ, ફોટોન અને મૂળકણોમાં પરિવર્તિત થયા છે. સમગ્ર પદાર્થોને ઉર્જા બ્રહ્મ (નિરાકાર ચેતન શક્તિ) માંથી પ્રાપ્ત થાય છે. ઓમકાર એ સૃષ્ટિનો પ્રથમ શબ્દ છે અને તે જ જડ ઉર્જાનું મૂળ કારણ છે.
કાલ (સમય) એ પરમાત્મા અને જડ પદાર્થ વચ્ચેનું માધ્યમ:
આચાર્ય અગ્નિગ્રતે સમજાવ્યું હતું કે જેને વર્તમાન વિજ્ઞાન 'ટાઇમ' કહે છે, તે હકીકતમાં 'કાલ' નામનો પદાર્થ છે જે પરમાત્મા અને જડ પદાર્થ વચ્ચે માધ્યમ તરીકે કાર્ય કરે છે. સૃષ્ટિ વિજ્ઞાનને જાણ્યા વગર મનુષ્ય ક્યારેય આધ્યાત્મિક કે ભૌતિક ઉન્નતિ કરી શકતો નથી. સૂર્ય, ચંદ્ર અને વૃક્ષોના વિજ્ઞાન પરથી મનુષ્યે પરોપકારની પ્રેરણા લેવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે આધુનિક ટેકનોલોજી જો સૃષ્ટિના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થશે.
વૈદિક વિજ્ઞાન પર સંશોધન કરવા અપીલ:
સંસ્થાના પ્રાચાર્ય વિશાલ આર્યએ પ્રેઝન્ટેશન દ્વારા સમજાવ્યું હતું કે મૂળ પદાર્થમાં વેદ મંત્રોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને તેના છંદોની સૃષ્ટિ પર શું અસર પડે છે. કાર્યક્રમના અંતે આચાર્ય અગ્નિગ્રતે ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોને વૈદિક વિજ્ઞાન પર વધુ સંશોધન કરવા આહ્વાન કર્યું હતું. શંકા સમાધાન કે સંશોધન કાર્યમાં જોડાવા માટે તેમણે સંપર્ક નંબર 9829148400 પણ જાહેર કર્યો હતો. 'કૃણ્વંતો વિશ્વમાર્યમ' ના આદર્શ સાથે વેદોના પ્રચાર-પ્રસાર પર ભાર મૂકી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
