<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ઉમરગામમાં આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ ભંગાણ : તાલુકા પ્રમુખ મનીષ હળપતિ સહિત ૧૫૦૦ જેટલા કાર્યકર્તાઓ કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા : જુઓ વિડીયો

વલસાડના સાંસદ ધવલ પટેલે 'આપ' ને ઠગ પાર્ટી ગણાવી પ્રહાર કર્યા અને દાવો કર્યો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિરોધ પક્ષોની ડિપોઝિટ જપ્ત થવાનો નવો રેકોર્ડ બનશે

ઉમરગામ:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકરની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમરગામ 'આપ' ના પ્રમુખ અને યુવા આદિવાસી નેતા મનીષ હળપતિએ પોતાના ૧૫૦૦ જેટલા હોદ્દેદારો અને સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આ સામૂહિક પક્ષાંતરને પગલે ઉમરગામમાં આમ આદમી પાર્ટીનું સંગઠન સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે.

 

 

વિકાસની રાજનીતિથી પ્રેરાઈને નિર્ણય:

ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે આ અંગે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ભાજપની વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઈને આ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ માત્ર ભાજપના શાસનમાં જ શક્ય છે તે વિશ્વાસ સાથે યુવા આદિવાસી નેતૃત્વએ કેસરીયો ધારણ કર્યો છે. ભાજપ સરકારે આદિવાસી સમાજના ઉત્થાન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે.

 

AAP પર આકરા પ્રહાર:

ધવલ પટેલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની ઠગ પાર્ટી પરથી હવે જનતાનો વિશ્વાસ સાવ ઉઠી ગયો છે. ગુજરાતમાં તેમને લડવા માટે ઉમેદવારો પણ મળી રહ્યા નથી. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આગામી મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 'આપ' ફરી એકવાર ડિપોઝિટ જપ્ત થવાનો નવો રેકોર્ડ બનાવશે.

 

ભાજપના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયું છે કે, આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના જોડાવાથી ઉમરગામ પંથકમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે. આ પ્રસંગે સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

(9:05 PM IST)