<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

સુરત જિલ્લાના કામરેજમાં મોબાઈલના વધુ પડતા ઉપયોગ બાબતે પતિના ઠપકાથી પરિણીતાએ ઝેરી દવા પીધી

કામરેજના કેનાલ રોડ પર આવેલી વ્રજ નંદની સોસાયટીમાં રહેતા ઇન્દિરાબેન લાલજીભાઈ ભીમજીભાઈ ઘાડિયાનું સારવાર દરમિયાન મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરત જિલ્લાના કામરેજમાં મોબાઈલના વધુ પડતા ઉપયોગ બાબતે પતિના ઠપકાથી નારાજ થઈને એક પરણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના કામરેજના કેનાલ રોડ પર આવેલી વ્રજ નંદની સોસાયટીમાં બની હતી.મૃતક પરણીતાનું નામ ઇન્દિરાબેન (ઉં.વ. ૩૨) છે. તેમના પતિ લાલજીભાઈ ભીમજીભાઈ ઘાડિયા (ઉં.વ. ૪૨) મૂળ જૂનાગઢ જિલ્લાના ખાંભલાગીર ગામના વતની છે અને હાલ કામરેજની વ્રજ નંદની સોસાયટી વિભાગ-૧ માં રહે છે. લાલજીભાઈ હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરે છે.પ્રાથમિક માહિતી મુજબ, લાલજીભાઈએ તેમની પત્ની ઇન્દિરાબેનને મોબાઈલ ફોનમાં વધુ પડતું ધ્યાન આપવા બાબતે ઠપકો આપ્યો હતો અને ફોનનો ઓછો ઉપયોગ કરવા જણાવ્યું હતું. પતિના આ ઠપકાથી ઇન્દિરાબેનને માઠું લાગી આવ્યું હતું.આવેશમાં આવીને ઇન્દિરાબેને ઘરમાં રાખેલી અનાજમાં નાખવાની ઝેરી દવા (સેલફોસ) પી લીધી હતી. તેમની તબિયત લથડતા પરિવારજનો તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મૃતકના પતિ લાલજીભાઈએ કામરેજ પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:06 PM IST)