<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

તાપીના નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઇવે પર અકસ્માતમાં આશાસ્પદ 3 યુવાનોએ ગુમાવ્યો જીવ

હાઇવે પર પુરપાટ દોડતી બે બાઇકો ભટકાઇ : ફંગોળાયેલા 3 યુવકના મોત

તાપી જિલ્લાના નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઇવે પર શનિવારે મોડી રાત્રે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. ગામડી ગામની સીમમાં બે મોટરસાયકલ સામસામે અથડાતા સર્જાયેલી આ ભીષણ દુર્ઘટનામાં ત્રણ યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બન્ને બાઇકના ફુરચા ઉડી ગયા હતા અને યુવાનો રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પટકાયા હતા.
નિઝરના રૂમકીતલાવ ગામના નિશાળ ફળિયામાં રહેતા શ્રાવણભાઈ વસાવા (25), સંદીપભાઈ વસાવા (26) વિનુભાઈ વળવી (35) મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કરણખેડા ગામે મજૂરી કામ અર્થે ગયા હતા. શનિવારે રાત્રે આશરે 10:45 વાગ્યે તેઓ પેશન પ્રો બાઇક (GJ-26-F-7476) પર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન ગામડી ગામના બસ સ્ટેન્ડ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી પલ્સર બાઇક (GJ-26-AC-6275) ના ચાલક ઋષિકેશ વળવી (રહે. વેડાપાડા) એ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બન્ને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
આ અથડામણમાં શ્રાવણ વસાવા અને સંદીપ વસાવાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બન્ને મિત્રોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
જ્યારે પલ્સર ચાલક ઋષિકેશ વળવીને ગંભીર હાલતમાં નિઝર હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેણે દમ તોડ્યો હતો. ઉપરાંત વિનુભાઈ વળવીને બાઇક પર સવાર અન્ય એક શ્રમિક વિનુભાઈને વધુ ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર માટે નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતે ખસેડવામાં આવ્યા છે.
"મૃતક શ્રાવણ અને સંદીપ બંને યુવાન વયના હતા અને મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાત્રે ઘરે પરત ફરીને પરિવાર સાથે જમશે તેવી આશામાં બેઠેલા સ્વજનો પાસે જ્યારે મોતના સમાચાર પહોંચ્યા ત્યારે રૂમકીતલાવ ગામમાં માતમ છવાઈ ગયો હતો. આર્થિક રીતે નબળા પરિવારોએ પોતાના કમાતા દીકરાઓ ગુમાવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે

(2:08 PM IST)