તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Monday, 13th April 2026
બનાસકાંઠામાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ ઝડપાયું, મુંબઈ જતો ₹3.49 કરોડનો ઝેરી જથ્થો જપ્ત : કાળા કારોબારનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પર્દાફાશ કર્યો
ડીસા GIDCની નવકાર ડેરી પર ફૂડ વિભાગનો સપાટો, લાઇસન્સ રદ હોવા છતાં ધમધમતું હતું કારખાનું, 4000 કિલો નકલી ઘી સહિત કેમિકલનો જથ્થો કબ્જે

બનાસકાંઠા તા.૧૩ : બનાસકાંઠા જિલ્લાના ડીસા GIDC વિસ્તારમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પર્દાફાશ કર્યો છે. વિભાગની ટીમે શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ નામની પેઢી પર આકસ્મિક દરોડો પાડીને મુંબઈના બજારમાં સપ્લાય કરવા માટે તૈયાર રાખવામાં આવેલો કુલ ₹3.49 કરોડની કિંમતનો અખાદ્ય અને આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓનો જથ્થો જપ્ત કર્યો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ પેઢીનું ફૂડ લાઇસન્સ 4 મહિના પહેલા જ તંત્ર દ્વારા રદ કરી દેવામાં આવ્યું હતું, તેમ છતાં સંચાલક દ્વારા બેફામપણે નકલી ઘીનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવ્યું હતું.
ફૂડ વિભાગના અધિકારીઓને મળેલી બાતમીના આધારે આજે સવારે પેઢી પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી 4000 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે ₹17.50 લાખ થાય છે. આ ઉપરાંત ઘી બનાવવા માટે વપરાતું હજારો લિટર સોયાબીન તેલ, વેજીટેબલ ઘી, ઘીની સુગંધ માટે વપરાતું એસેન્સ અને અન્ય શંકાસ્પદ કેમિકલનો જથ્થો પણ મળી આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત ₹349 લાખ આંકવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરીમાં ઉત્પાદિત થતા ઘીમાં દૂધ કે દૂધની કોઈપણ બનાવટનો ઉપયોગ થતો ન હતો. સસ્તા સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીના મિશ્રણમાં કેમિકલયુક્ત એસેન્સ ઉમેરીને તેને 'શુદ્ધ ગાયનું ઘી' ના નામે પેક કરીને મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં વેચવામાં આવતું હતું. આ ઘીનું સેવન માનવ આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2011ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ અગાઉ આ પેઢીને નોટિસ આપવામાં આવી હતી. વારંવાર સૂચના આપવા છતાં કોઈ સુધારો ન થતા 4 ઓક્ટોબર 2024ના રોજ તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પેઢીના સંચાલક સંજય મહેસૂરિયા ઉર્ફે એસ.આર. દ્વારા ગેરકાયદેસર રીતે ઉત્પાદન ચાલુ રાખ્યું હતું. હાલ ફૂડ વિભાગે ઘીના 11 અલગ-અલગ નમૂના લઈને પૃથ્થકરણ માટે ગાંધીનગરની સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સંચાલક વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે ઘી ખરીદતી વખતે FSSAI માર્ક અને બ્રાન્ડની ચકાસણી અવશ્ય કરવી.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
