<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

નવસારી કોંગ્રેસમાં મોટું ભંગાણ: જિલ્લા પ્રમુખની બેદરકારીથી ગણદેવી નગરપાલિકાના વોર્ડ-1ની આખી પેનલ આઉટ, ભાજપ બિનહરીફ

મેન્ડેટ મોડું પહોંચતા ફોર્મ રદ થયા : ચૂંટણી લડ્યા વિના જ કોંગ્રેસે મેદાન છોડ્યું, જિલ્લામાં 3 જિ.પં., 10 તા.પં. અને 2 નગરપાલિકાની બેઠકો પર ભાજપ બિનહરીફ, કાર્યકરોમાં રોષ

નવસારી તા.૧૩ : નવસારી જિલ્લા કોંગ્રેસમાં સંગઠન સ્તરે સર્જાયેલી ગંભીર બેદરકારીને કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ગણદેવી નગરપાલિકામાં પક્ષને મોટો ફટકો પડ્યો છે. પક્ષના સત્તાવાર મેન્ડેટ સમયસર ન પહોંચતા વોર્ડ નંબર 1ની આખી પેનલના ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જેના પરિણામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આ બેઠક પર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ચૂંટણી પ્રક્રિયાના અંતિમ તબક્કે મેન્ડેટ પહોંચાડવામાં થયેલી આ ચૂકને કારણે જિલ્લા પ્રમુખ અને સ્થાનિક નેતૃત્વની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

 

ઘટનાની વિગતો મુજબ, ગણદેવી નગરપાલિકાના છ વોર્ડ પૈકી વોર્ડ નંબર 1માં કોંગ્રેસે પોતાની પેનલ ઉતારી હતી. જોકે, ફોર્મ ચકાસણી દરમિયાન ટેકનિકલ ખામી અને પક્ષ દ્વારા મોડા પાઠવવામાં આવેલા મેન્ડેટને કારણે રિટર્નિંગ ઓફિસરે કોંગ્રેસના ઉમેદવારોની દાવેદારી ફગાવી દીધી હતી. ચૂંટણી પંચના નિયમો મુજબ, કોઈપણ ઉમેદવાર જ્યારે પક્ષના ચિન્હ પર ચૂંટણી લડવા માંગતો હોય, ત્યારે તેણે નિર્ધારિત સમયમર્યાદામાં પક્ષના અધિકૃત દ્વારા અપાયેલું મેન્ડેટ જમા કરાવવું અનિવાર્ય છે. જો આ મેન્ડેટ સમયસર રજૂ ન કરવામાં આવે, તો ઉમેદવાર પક્ષનો સત્તાવાર ઉમેદવાર ગણાતો નથી અને તેનું ફોર્મ રદ થઈ શકે છે. ગણદેવીના કિસ્સામાં, આ મેન્ડેટ મોડા મળવાને કારણે ટેકનિકલ ધોરણે આખી પેનલ ગેરલાયક ઠરી છે.

 

આ આંચકાને પગલે સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિનાઓથી જમીની સ્તરે પ્રચાર કરી રહેલા ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળતા પક્ષમાં આંતરિક જૂથવાદ અને નારાજગીની લહેર પ્રસરી છે. કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો હવે આ મુદ્દે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવાની અને જિલ્લા નેતૃત્વ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં 3 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને બે નગરપાલિકાઓની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે, જે વિપક્ષી છાવણીમાં ફેલાયેલી શિથિલતા તરફ આંગળી ચીંધે છે. રાજકીય વિશ્લેષકોના મતે, વહીવટી નિષ્ફળતાના કારણે ચૂંટણી લડ્યા વિના જ મેદાન છોડી દેવાની આ ઘટના આગામી પરિણામો પર પણ માઠી અસર પાડી શકે છે. હાલ ગણદેવીમાં ભાજપના વિજયના વધામણાં શરૂ થઈ ગયા છે, જ્યારે કોંગ્રેસ આ આંતરિક કલહ અને વહીવટી ભૂલને સુધારવા માટે મથામણ કરી રહી છે.

(4:04 PM IST)