<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

ખેડાના દાદાના મુવાડામાં ક્રૂરતાની હદ: સંતાન ન થવાની અદાવતે પતિએ પત્નીને લોખંડનો દસ્તો મારી માથું ફાડતા સારવાર દરમિયાન મોત

કઠલાલ તાલુકાના ફાગવેલ પાસે મધ્યરાત્રિએ પિયર આવેલી પત્ની પર જીવલેણ હુમલો — અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શ્વાસ છોડ્યા, કઠલાલ પોલીસે આરોપી પતિની હત્યાના ગુનામાં ધરપકડ કરી

ખેડા :ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ પાસે આવેલા દાદાના મુવાડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સંતાન ન થવા બાબતે ચાલતા લાંબા સમયના કંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ પિયર આવેલી પત્નીનું લોખંડના દસ્તાથી માથું ફોડીને હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 

મળતી માહિતી મુજબ દાદાના મુવાડા ગામની દીકરીના લગ્ન ઠાસરા તાલુકાના રખિયાલ ગામે થયા હતા. લગ્નજીવનના ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું. આ બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખટરાગ ચાલતો હતો. અવારનવાર થતી બોલાચાલી અને માનસિક તણાવને કારણે પરિણીતા થોડા સમય અગાઉ પોતાના પિયર દાદાના મુવાડા ખાતે આવી ગઈ હતી.

 

ગંભીર ઘટનાની વિગત એવી છે કે પતિ પોતાની પત્નીને મળવા પિયર આવ્યો હતો. રાત્રિના અંદાજે દોઢ વાગ્યાના સુમારે બંને વચ્ચે ફરી તકરાર થઈ હતી. આક્રોશમાં આવેલા પતિએ પાસે પડેલો લોખંડનો દસ્તો ઉપાડી પત્નીના માથાના ભાગે ઝીંકી દીધો હતો. હુમલો એટલો જોરદાર હતો કે પત્ની લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી હતી અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

ઇજાગ્રસ્ત પરિણીતાને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તબીબો દ્વારા તેને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ માથામાં થયેલી ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન તેનું કરૂણ નિધન થયું હતું. પિયર પક્ષના સભ્યોએ પોતાની દીકરી ગુમાવતા ન્યાયની માંગ કરી છે.

 

આ મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

(4:36 PM IST)