News of Monday, 13th April 2026
પંચમહાલમાં ભાજપનો કેસરીયો : શહેરા નગરપાલિકામાં મતદાન પહેલા જ ભગવો લહેરાયો, ૨૮માંથી ૧૫ બેઠકો પર બિનહરીફ જીત સાથે બહુમતી હાંસલ
વોર્ડ ૧ અને વોર્ડ ૫માં ભાજપનો ક્લીન સ્વીપ : કુલ ૭૯ ફોર્મની ચકાસણી બાદ વિપક્ષી ઉમેદવારોના પત્તા કટ થતા સ્થાપના કાળથી અજેય રહેવાનો ભાજપે જાળવી રાખ્યો વિક્રમ

શહેરા:પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાન પહેલા જ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ મેદાન મારી લીધું છે. નગરપાલિકાની કુલ ૨૮ બેઠકો પૈકી ૧૫ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા પક્ષે મતદાન પૂર્વે જ સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા કબજે કરી લીધી છે. આ જીત સાથે જ શહેરા નગરપાલિકામાં ભાજપે પોતાના અજેય ગઢને જાળવી રાખવામાં સફળતા મેળવી છે.
ચૂંટણી પૂર્વે જ વિજયી માહોલ:
શહેરા નગરપાલિકાના સાત વોર્ડની કુલ ૨૮ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૭૯ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જોકે, ફોર્મની ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયાના અંતે વોર્ડ નંબર ૧ અને વોર્ડ નંબર ૫ ની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. આ ઉપરાંત અન્ય વોર્ડની બેઠકો મળી કુલ ૧૫ બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે. ૨૮ બેઠકોના ગૃહમાં બહુમતી માટે ૧૫ બેઠકોની જરૂર હોય છે, જે ભાજપને મતદાન પહેલા જ મળી ગઈ છે.
વિકાસના મુદ્દે જનતાનો ભરોસો:
સ્થાનિક અહેવાલો અનુસાર, નગરપાલિકાના સ્થાપના કાળથી અત્યાર સુધી અહીં ભાજપનું એકહથ્થુ શાસન રહ્યું છે. આ સતત વિજય પાછળ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ શહેરામાં થયેલા વિકાસકામોને મુખ્ય કારણ ગણાવ્યું છે. બિનહરીફ વિજયની જાહેરાત થતા જ શહેરા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.
વિરોધ પક્ષોના સુપડા સાફ
ચૂંટણી જંગ ખેલાય તે પહેલા જ વિરોધ પક્ષોના ઉમેદવારોના ફોર્મ રદ થતા અથવા પાછા ખેંચાતા ભાજપ માટે રસ્તો સાફ થઈ ગયો હતો. હવે બાકી રહેલી બેઠકો પર મતદાન થશે, પરંતુ નગરપાલિકાના શાસનની ધુરા તો ભાજપ હસ્તક જ રહેશે તે નિશ્ચિત થઈ ગયું છે. આગામી દિવસોમાં સત્તાવાર રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
