<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા પંચાયતની દગડીઆંબા બેઠક પર મેન્ડેટ ઉમેદવારના પતિને ખેંચ આવી જતા હોસ્પિટલ ખસેડ્યા

મેન્ડેટ અને ડમી ઉમેદવાર સામસામે આવતા વિવાદ:ડમી ઉમેદવાર તરીકે માજી જિલ્લા પંચાયત પ્રમુખનાં ગ્રુપે પણ દાવેદારી નોંધાવી દેતા રાજકીય તણાવ

ડાંગ જિલ્લાની વઘઇ તાલુકા પંચાયતની દગડીઆંબા બેઠક પર ભાજપમાં ચાલતી આંતરિક ગુંચવણ હવે ખુલ્લા રાજકીય જંગમાં ફેરવાઈ ગઈ છે.
ભાજપા પાર્ટી દ્વારા માજી વઘઇ તાલુકા પંચાયતનાં પ્રમુખ ચંદરભાઈ ગાવિતની પત્ની વનિતાબેન ગાવિતને દગડીઆંબા તાલુકા સીટ પર સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યું હોવા છતાં આ બેઠક પર ડમી ઉમેદવાર તરીકે માજી જિલ્લા પંચાયત પ્રમુખનાં ગ્રુપે પણ દાવેદારી નોંધાવી દેતા રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
વઘઇમાં ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખની હાજરી દરમિયાન સોમવારના રોજ દગડીઆંબા બેઠક મુદ્દે મેન્ડેટ ઉમેદવાર અને ડમી ઉમેદવાર સામસામે આવી જતા વાતાવરણ અચાનક ગરમાયું હતું.બન્ને પક્ષ વચ્ચે ભારે બોલાચાલી અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઇ હતી.
પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ગરમા-ગરમી દરમિયાન મેન્ડેટ ઉમેદવારના પતિ અને માજી તાલુકા પંચાયતનાં પ્રમુખ ચંદરભાઈ ગાવિતને અચાનક ખેંચ આવી જતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
દગડીઆંબા બેઠક પર હાલ ભાજપના જ બે નેતાઓ આમને-સામને આવી જતા ‘એક જ પાર્ટીમાં બે મોરચા’ જેવી સ્થિતિ સર્જાઈ છે.
બન્ને પક્ષ પોતપોતાના ઉમેદવારને ટકાવી રાખવા માટે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. હવે આગામી 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના દિવસે રાજકીય દૃશ્ય વધુ સ્પષ્ટ બનશે. પ્રશ્ન એ છે કે અંતે કોણ મક્કમ રહે છે અને કોણ પછાડે છે આ મુદ્દે સમગ્ર તાલુકાની નજર ટકી છે

(1:20 PM IST)