<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

વાપીમાં રાત્રિભર વીજકાપથી લોકો પરેશાન : DGVCL સામે નાગરિકોમાં રોષની લાગણી તેજ

રાત્રિ દરમિયાન લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા ભારે હાલાકી : ટાંકીફળિયા અને વોર્ડ નં. 10ના રહેવાસીઓએ કાયમી ઉકેલની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી

વાપી શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વારંવાર થતા વીજકાપના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નં. 10 અને ટાંકીફળિયા વિસ્તારના રહેવાસીઓ છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિ દરમિયાન લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાતા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગરમી અને બફારાના માહોલમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતાં લોકોની રાતો ઉજાગરામાં પસાર થઈ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે અચાનક વીજ પુરવઠો બંધ થઈ જાય છે અને કલાકો સુધી પુનઃ શરૂ થતો નથી. અનેક વખત સવારે વીજળી શરૂ થયા બાદ થોડા સમય પછી ફરીથી કાપી દેવામાં આવતી હોવાથી લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે. વૃદ્ધો, બાળકો, દર્દીઓ તેમજ નોકરીયાત વર્ગને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રહેવાસીઓનો આક્ષેપ છે કે વીજ પુરવઠો ખોરવાતા ડીજીવીસીએલની હેલ્પલાઇન પર સંપર્ક કરવામાં આવે છે ત્યારે માત્ર "ટેક્નિકલ ફોલ્ટ" હોવાનું કારણ આપવામાં આવે છે, પરંતુ ફોલ્ટનું ચોક્કસ કારણ, તેના સમારકામની સ્થિતિ કે વીજ પુરવઠો ક્યારે નિયમિત થશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી. જેના કારણે ગ્રાહકોમાં અસંતોષ અને રોષની લાગણી સતત વધી રહી છે.
લોકોએ વધુમાં જણાવ્યું કે ડીજીવીસીએલ દ્વારા વીજકાપ અંગેના એસએમએસ મોકલવામાં આવે છે, પરંતુ તે પણ વીજ પુરવઠો બંધ થવાના માત્ર બે-ત્રણ મિનિટ પહેલાં જ મળતા હોવાથી ગ્રાહકોને કોઈ પૂર્વ તૈયારીનો સમય મળતો નથી. ગુરુવારે રાત્રે 12:40 કલાકે વીજ પુરવઠો બંધ થયા બાદ સવારે 6:40 કલાકે શરૂ કરાયો હતો, જ્યારે ત્યારબાદ ફરી સવારે 9:40 કલાકે વીજળી કાપી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. રહેવાસીઓનું કહેવું છે કે વીજ વિભાગ ગ્રાહકો સાથે સંતાકૂકડી રમી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
દિવસભર કામ કર્યા બાદ ઘરે પરત ફરતા નોકરીયાત લોકોને આરામ મળી શકતો નથી. ગરમી વચ્ચે વીજળીના અભાવે ઊંઘમાં વિક્ષેપ પડતાં તેમના સ્વાસ્થ્ય અને દૈનિક જીવન પર પણ નકારાત્મક અસર થઈ રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ટાંકીફળિયા વિસ્તારના રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં વીજકાપની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો DGVCL કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવવામાં આવશે.
સતત વીજકાપથી ત્રસ્ત નાગરિકો હવે તાત્કાલિક અને અસરકારક ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે

(11:09 AM IST)