તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
તરસાડા બાર ગ્રામસભા કોરમના અભાવે મોકૂફ : સરપંચ સહિત સાત સભ્યોની ગેરહાજરીથી વિવાદ ગરમાયો
ગેરકાયદે શોપિંગ સેન્ટરના મુદ્દે સવાલો ઊઠે તે પહેલાં જ પંચાયત તંત્ર સભાથી દૂર રહ્યું હોવાના ગ્રામજનોના આક્ષેપ

સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડા બાર ગામે શુક્રવાર, 5 જૂન 2026ના રોજ પંચાયત ઘરમાં યોજાનારી ગ્રામસભા કોરમના અભાવે મોકૂફ રાખવાની ફરજ પડી હતી. ગ્રામ પંચાયતના સરપંચ સહિત મોટાભાગના સભ્યો ગેરહાજર રહેતા જરૂરી સંખ્યાબળ પૂર્ણ ન થતાં ગ્રામસભા યોજાઈ શકી નહોતી.
સત્તાવાર હાજરી રજીસ્ટર મુજબ પંચાયતના કુલ નવ સભ્યોમાંથી માત્ર બે સભ્યો જ સભાના સ્થળે હાજર રહ્યા હતા, જ્યારે સરપંચ સહિત સાત સભ્યો ગેરહાજર રહ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ સરપંચ દ્વારા ગેરહાજરી અંગે કોઈ સત્તાવાર મંજૂરી અથવા લેખિત રજાની માહિતી પણ રજૂ કરવામાં આવી ન હતી. જેના કારણે હાજર રહેલા સભ્યો અને ગ્રામજનોએ આ બાબતની નોંધ રજીસ્ટરમાં કરાવી ગ્રામસભા મોકૂફ જાહેર કરી હતી.
ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા શોપિંગ સેન્ટરના બાંધકામનો મુદ્દો આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામની મધ્યમાં બનેલા શોપિંગ સેન્ટરના બાંધકામ માટે જરૂરી મંજૂરીઓ અને નકશાની પ્રક્રિયા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. આ મુદ્દે ગ્રામસભામાં જવાબદારી નક્કી કરવા અને સ્પષ્ટતા માંગવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હતા.
સ્થાનિકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ગ્રામસભા દરમિયાન શોપિંગ સેન્ટર અને પંચાયતના વહીવટને લઈને આકરા સવાલો ઉઠે તેવી શક્યતા હોવાથી જવાબદાર પદાધિકારીઓએ સભામાં હાજરી આપવાનું ટાળ્યું હોઈ શકે છે. જોકે આ દાવાઓ અંગે પંચાયત તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
ગ્રામજનોનું કહેવું છે કે ગ્રામસભા એ ગામના વિકાસ અને વહીવટી જવાબદારી અંગે ચર્ચા કરવાનો સૌથી મહત્વપૂર્ણ લોકશાહી મંચ છે. આવી સ્થિતિમાં સરપંચ અને સભ્યોની ગેરહાજરીથી ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે અને પંચાયતની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
આ ઘટનાએ સમગ્ર માંડવી તાલુકામાં ચર્ચા જગાવી છે. સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિકોએ માં કરી છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને ગ્રામસભામાં ગેરહાજર રહેલા જવાબદાર પદાધિકારીઓ સામે કાયદા અને નિયમો મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવે.
સાથે જ શોપિંગ સેન્ટરના બાંધકામ સંબંધિત તમામ મંજૂરીઓ, નકશા અને પ્રક્રિયાની તપાસ કરવા માટે સ્વતંત્ર તપાસ સમિતિ નીમવાની માંગ પણ ઉઠી રહી છે. ગ્રામજનો હવે જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
