News of Saturday, 6th June 2026
તાપી જિલ્લામાં ખેરના લાકડાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
સોનગઢના જંગલમાંથી ખેરના ઝાડ કાપતા 9 આરોપીઓ ઝડપાયા, વાહનો અને લાકડાનો જથ્થો જપ્ત

તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં વન સંપત્તિની ચોરી સામે વ્યારા વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સોનગઢના ઘોડચીત જંગલ વિસ્તારમાંથી ખેરના ઝાડ ગેરકાયદેસર રીતે કાપતી ગેંગને ઝડપી પાડી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનો અને લાકડાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, 4 જૂન, 2026ના રોજ વ્યારા વન વિભાગ હેઠળના સાદડવેલ, મલંગદેવ અને ફોર્ટ સોનગઢ રેન્જના અધિકારીઓ તથા કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમીના આધારે સોનગઢના ખરસી બીટ વિસ્તારમાં આવેલા રિઝર્વ ફોરેસ્ટ કમ્પાર્ટમેન્ટ નં. 274માં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન ખેરના ઝાડ કાપી તેને વાહનમાં ભરી લઈ જવાની તૈયારી કરી રહેલા 7 આરોપીઓને વન વિભાગે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ ખેરના કુલ 7 વૃક્ષો કાપ્યા હતા અને લાકડાને બોલેરો પીકઅપ મારફતે સ્થળાંતર કરવાની તૈયારી કરી રહ્યા હતા.
પકડાયેલા આરોપીઓની પૂછપરછના આધારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી વધુ બે શખ્સોની સંડોવણી બહાર આવતાં તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ રીતે સમગ્ર ગેંગના કુલ 9 સભ્યોને કાયદાના હવાલે કરવામાં આવ્યા છે.
વન વિભાગે સ્થળ પરથી ઝાડ કાપવા માટે ઉપયોગમાં લેવાતી બે કરવત તેમજ ખેરના 28 નંગ લાકડાના ટુકડાઓ જપ્ત કર્યા છે. કુલ 1.070 ઘન મીટર જેટલા આ લાકડાની બજાર કિંમત અંદાજે રૂ. 19,877 હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનોમાં બે સ્પ્લેન્ડર મોટરસાયકલ, એક હોન્ડા એક્ટિવા, એક બોલેરો પીકઅપ મેક્સ અને એક મારુતિ સુઝુકી-800 કારનો સમાવેશ થાય છે. તમામ વાહનોને વન વિભાગે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વન અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેર જેવા કિંમતી વૃક્ષોની ગેરકાયદે કાપણી સામે વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને ચોરી કરાયેલા લાકડાનું નેટવર્ક કેટલું વ્યાપક છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વન વિભાગની આ સફળ કાર્યવાહીને કારણે ગેરકાયદે લાકડાની ચોરી કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે જંગલ સંપત્તિના સંરક્ષણ માટે વિભાગની સતર્ક કામગીરીને સ્થાનિક સ્તરે આવકાર મળ્યો છે
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
