News of Saturday, 6th June 2026
ઈશાનીના કપડાંને લઈને યુઝરની અભદ્ર ટિપ્પણીનો આપ્યો જડબાતોડ જવાબ :પિતા પ્રફુલ દવે પણ સમર્થનમાં ઉતર્યા
યુઝર્સે અત્યંત અભદ્ર અને વાંધાજનક ટિપ્પણી કરી હતી. જોકે ઈશાની દવે અને પ્રફુલ દવે બંનેએ આ ટ્રોલરને જડબાતોડ જવાબ આપીને તેની બોલતી બંધ કરી દીધી

ગુજરાતી સંગીત જગતના દિગ્ગજ ગાયક પ્રફુલ દવે અને તેમની સુપુત્રી તેમજ લોકપ્રિય ગાયિકા ઈશાની દવે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ સામે લાલઆંખ કરવાને કારણે ભારે ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'The Filmy Fox' નામના પેજ પર ઈશાની દવેનો તેમના પિતા સાથેનો એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, ઈશાનીના ડ્રેસિંગ અને કપડાંને લઈને એક યુઝરે અત્યંત અભદ્ર અને વાંધાજનક ટિપ્પણી કરી હતી. જોકે, શાંત બેસી રહેવાને બદલે ઈશાની દવે અને પ્રફુલ દવે બંનેએ આ ટ્રોલરને જડબાતોડ જવાબ આપીને તેની બોલતી બંધ કરી દીધી છે.
સોશિયલ મીડિયા પર કપડાંને લઈને યુઝર દ્વારા કરવામાં આવેલી નકારાત્મક ટિપ્પણીનો સ્ક્રીનશોટ પણ સામે આવ્યો છે. આ કોમેન્ટનો જડબાતોડ જવાબ આપતાં ઈશાની દવેએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ટ્રોલ કરનાર યુઝરને આકરા શબ્દોમાં વળતો સવાલ પૂછતા કહ્યું કે, "એક દીકરીને આવી સલાહ આપવી તમને શોભે છે?" સોશિયલ મીડિયા પર ઈશાનીના આ કરારા જવાબની ફેન્સ દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.
આ વિવાદમાં માત્ર ઈશાની જ નહીં, પરંતુ તેમના પિતા અને ગુજરાતના જાણીતા ગાયક પ્રફુલ દવે પણ દીકરીના સમર્થનમાં મજબૂતાઈથી આગળ આવ્યા હતા. તેમણે ટ્રોલ કરનાર યુઝરને સંસ્કાર અંગે કડક પાઠ ભણાવતા સોશિયલ મીડિયા પર જ આકરો જવાબ આપ્યો હતો. પ્રફુલ દવેએ લખ્યું કે, "તમે તમારી દીકરી કે બહેન હોય તો એની ચિંતા કરો! કાંઈ કામ ધંધો ના હોય એવા નવરા લોકો આવી રીતે પોતાના સંસ્કાર બતાવે છે… આમાં તમારું કાંઈ નહીં વળે એના કરતાં બે પૈસા કમાવ એ કામ આવશે!"
આ આખી ઘટના બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ વચ્ચે એક નવી ચર્ચા છેડાઈ છે. એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે શું કોમેન્ટ કરનાર વ્યક્તિ પોતે જ કપડાં પહેરવાની ના પાડે છે? ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સેલિબ્રિટીઝ, ખાસ કરીને મહિલા કલાકારોના પહેરવેશને લઈને અવારનવાર આવી નકારાત્મક માનસિકતા જોવા મળતી હોય છે. જોકે, દવે પરિવારે જે રીતે એક થઈને આ ટ્રોલરને પાઠ ભણાવ્યો છે, તે દર્શાવે છે કે કલાકારો હવે સોશિયલ મીડિયા પર થતી કોઈપણ પ્રકારની હેરાનગતિ કે અભદ્રતા ચલાવી લેવાના મૂડમાં નથી. ચાહકો પણ આ બંને કલાકારોની હિંમતને બિરદાવી રહ્યા છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
