News of Sunday, 7th June 2026
કેનેડામાં વહાલસોયી દીકરીની ક્રૂર હત્યા: ૨૧ દિવસની લાંબી પ્રતીક્ષા બાદ વિધિનો પાર્થિવ દેહ વતન લવાયોઃ આજે અંતિમ સંસકાર
અમદાવાદ એરપોર્ટ પર દીકરીનો પાર્થીવ દેહ પહોંચતા ગમગીની છવાઇઃ પરિવારનો આક્રંદ

બોરસદ: કેનેડાની ધરતી પર અકાળે ક્રૂર હત્યાનો ભોગ બનેલી આણંદ જિલ્લાના બોરસદની આશાસ્પદ યુવતી વિધિ મેઘાનો મૃતદેહ ૨૧ દિવસની લાંબી આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા બાદ આખરે વતન પરત લાવવામાં આવ્યો છે. રવિવારે વહેલી સવારે વિધિનો પાર્થિવ દેહ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચતા જ વાતાવરણ અત્યંત શોકાતુર બની ગયું હતું. એરપોર્ટ પર જરૂરી તમામ કાયદાકીય અને વહીવટી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ સત્તાવાળાઓ દ્વારા મૃતદેહ તેના શોકગ્રસ્ત પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અને કાયદાકીય ગૂંચવણોના કારણે મૃતદેહ લાવવામાં ભારે વિલંબ થઈ રહ્યો હતો. આ મુશ્કેલ સમયમાં સ્થાનિક સાંસદ મિતેષ પટેલે સંવેદનશીલતા દાખવીને કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય અને કેનેડા સ્થિત ભારતીય દૂતાવાસ (Embassy) સાથે સતત સંકલન સાધીને પ્રક્રિયા ઝડપી બનાવી હતી. તેમના સક્રિય અને ભગીરથ પ્રયાસોના પરિણામે જ ત્રણ અઠવાડિયાના લાંબા સમયગાળા બાદ દીકરીના દેહને ભારત લાવી શકાયો છે.
ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાથે કેનેડા ગયેલી દીકરી વિધિની વિદેશમાં નિર્મમ હત્યા થતાં સમગ્ર આણંદ જિલ્લામાં ભારે અરેરાટી અને રોષ વ્યાપી ગયો છે. છેલ્લા ૨૧ દિવસથી દીકરીના અંતિમ દર્શન માટે તડપતા માતા-પિતા અને પરિવારજનોનો કરુણ આક્રંદ જોઈને એરપોર્ટ તેમજ વતન બોરસદમાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આજે વિધિના વતનમાં તેની અંતિમયાત્રા કાઢીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કેનેડા પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ હાઈ-પ્રોફાઈલ હત્યાકાંડ પાછળના ગુનેગારોને પકડવા માટે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય દૂતાવાસ કેનેડાની ન્યાયિક પ્રક્રિયા પર સતત નજર રાખી રહ્યું છે જેથી મૃતક દીકરીના પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળી શકે અને ગુનેગારોને કડક સજા થાય.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
