News of Sunday, 7th June 2026
આપત્તિ સામે વડોદરા સજ્જ: ઇતિહાસમાં પહેલીવાર સુરક્ષા દળોની સંયુક્ત કવાયત યોજાઇ
ચોમાસામાં સંભવિત પૂર અને વાવાઝોડાના સંકટ સામે 'ઝીરો કેઝ્યુઆલિટી'ના લક્ષ્ય સાથે એજન્સીઓએ હાથ ધરી મેગા વર્કશોપ.

વડોદરા: વડોદરા શહેરમાં આગામી દસ દિવસમાં ચોમાસાના સંભવિત આગમનને પગલે પૂર કે વાવાઝોડા જેવી કટોકટીભરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા રવિવારે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું હતું. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના આશયથી વડોદરા પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે એક ભવ્ય સંયુક્ત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કવાયતમાં આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞો સહિત તમામ સુરક્ષા એજન્સીઓએ એકસાથે ભાગ લીધો હતો.
આ મેગા વર્કશોપમાં સ્થાનિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, એસ.ડી.આર.એફ. (SDRF), ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સહિતના તમામ સુરક્ષા દળોના જવાનોએ સંયુક્ત રીતે શક્તિ પ્રદર્શન કર્યું હતું. કટોકટીના સમયે તમામ એજન્સીઓ વચ્ચે યોગ્ય સંકલન (Coordination) જળવાઈ રહે તે માટે ખાસ વ્યૂહાત્મક તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, પૂર અને વાવાઝોડા વખતે રેસ્ક્યૂ ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક બોટ, હાઇ-ટેક કટર અને લાઇફ જેકેટ જેવા સાધનોનું જીવંત નિદર્શન પણ યોજાયું હતું.
ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે વડોદરામાં અતિવૃષ્ટિ દરમિયાન મકાનો ધરાશાયી થવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ હોર્ડિંગ્સ અને સોલર પેનલ હવામાં ફંગોળાવાના કારણે ભારે જાનમાલનું નુકસાન થતું આવ્યું છે. ઘણીવાર અસરગ્રસ્તો સુધી સમયસર મદદ ન પહોંચવાના કારણે નાગરિકોએ મુશ્કેલી વેઠવી પડી છે. તંત્ર દ્વારા આ વર્ષે આવી તમામ વહીવટી ક્ષતિઓને સમયસર નિવારી શકાય અને જાનહાનિનું પ્રમાણ શૂન્ય રાખી શકાય તે માટે અત્યારથી જ આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સંયુક્ત વર્કશોપથી તમામ સુરક્ષા દળો આપત્તિના સમયે ઓછામાં ઓછા સમયમાં મોરચો સંભાળવા સક્ષમ બનશે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા શહેરના તમામ જોખમી અને નીચાણવાળા વિસ્તારોનું મેપિંગ કરીને પ્રિ-મોન્સૂન કામગીરીની આખરી સમીક્ષા કરવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન વડોદરાવાસીઓને કોઈ મોટી આફતનો સામનો ન કરવો પડે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
