News of Sunday, 7th June 2026
સુરતમાં રખડતા શ્વાનનો આતંક, 10થી વધુ લોકોને ભર્યા બચકા
સ્થાનિકોમાં ભારે ફફડાટઃ ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યુ

સુરતઃ ડાયમંડ સિટી સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન એટલો વધી ગયો છે કે હવે નાગરિકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સુરતના કતારગામ નજીકના વિસ્તારમાં આવેલી ઠાકોરદીપ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે, જેને કારણે સ્થાનિક રહીશો અને ખાસ કરીને માસૂમ બાળકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મનપા પ્રશાસનની ઘોર બેદરકારી અને સુસ્તી સામે હવે સ્થાનિક લોકોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે.
ઠાકોરદીપ સોસાયટીમાં રખડતા શ્વાનો એટલા હિંસક બન્યા છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો અને વડીલો સહિત અંદાજે ૧૦થી વધુ લોકોને તેમણે પોતાના શિકાર બનાવ્યા છે અને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. સોસાયટીના માર્ગો પરથી પસાર થવું એટલે જાણે જોખમને આમંત્રણ આપવા બરાબર થઈ ગયું છે, જેના લીધે વાલીઓ પોતાના બાળકોને ઘરની બહાર રમવા મોકલતા પણ ગભરાઈ રહ્યા છે.
સ્થાનિક રહીશો દ્વારા સુરત મહાનગરપાલિકા (SMC) ને આ ગંભીર સમસ્યા અંગે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકાની આ નિષ્ક્રિયતા અને ઉદાસીન વલણને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. લોકોની ઉગ્ર માંગ છે કે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલાં પાલિકા ઊંઘમાંથી જાગે, તાત્કાલિક ધોરણે આ હિંસક શ્વાનોને પકડવાની કામગીરી હાથ ધરે અને આ ત્રાસમાંથી સોસાયટીને કાયમી મુક્તિ અપાવે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
