<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

નવસારીના વિજલપુર રેલવે ઓવરબ્રિજ બે મહિના માટે બંધઃ વાહન ચાલકોએ બેરીકેટીંગ હટાવીને અવર-જવર ચાલુ રાખી !

તંત્રની કામગીરીને લઇ ઉઠ્યા સવાલઃ ગમે ત્‍યારે મોટી હોનારતનો ભય

નવસારીઃ  વિજલપુર ખાતે આવેલો રેલવે ઓવરબ્રિજ આગામી બે મહિના માટે સત્તાવાર રીતે બંધ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા પૂરતી તકેદારી અને પ્રોપર બેરિકેટિંગ ન કરવામાં આવતા સ્થાનિક સ્તરે ભારે અરાજકતાનો માહોલ સર્જાયો છે. આ બ્રિજ ઉપર હજુ પણ અતિ જોખમી રીતે કામગીરી ચાલી રહી હોવા છતાં, વાહનચાલકો દ્વારા રસ્તા પર મુકેલા સામાન્ય બેરિકેટ્સ હટાવીને રેલવે ફાટક પરથી સતત અવરજવર ચાલુ રાખવામાં આવી છે, જે ગમે ત્યારે મોટી હોનારતને નોતરી શકે છે. તંત્ર દ્વારા યોગ્ય ડાયવર્ઝન કે મજબૂત આડશો ન મુકાતા આ સિક્યોરિટી અને સેફ્ટીના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

 

સ્થાનિક વાહનચાલકો અને રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષથી આ બ્રિજ બનાવવાની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે, જેના લીધે લોકો પહેલેથી જ ત્રાહિમામ પોકારી ગયા છે. હવે જ્યારે આ મુખ્ય માર્ગ બે મહિના માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો છે, ત્યારે કારચાલકોની સાથે-સાથે બાઈકચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ રસ્તો બંધ થવાના કારણે અમારે હવે જલાલપોર તરફથી અથવા લાંબો બ્રિજ ફરીને જવું પડશે, જેનાથી સામાન્ય અંતરમાં પણ ૧ થી ૨ કિલોમીટર જેટલો લાંબો ચકરાવો કરવો પડે છે. જો અમારે ગોપાલનગર જવું હોય તો વધારાનું ૨ થી ૨.૫ કિલોમીટર અંતર કાપવું પડે છે, જેનાથી સમય અને ઈંધણ બંનેનો મોટો બગાડ થઈ રહ્યો છે.

 

આગામી ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખતા સ્થાનિકોની ચિંતામાં બમણો વધારો થયો છે, કારણ કે વરસાદી માહોલમાં બ્રિજની બંને તરફના ગરનાળા (અંડરપાસ) પાણી ભરાઈ જવાના કારણે સંપૂર્ણ બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો મુખ્ય ફાટક પણ બંધ રહે અને વૈકલ્પિક રસ્તાઓ બરાબર ન હોય, તો ચોમાસા દરમિયાન વિજલપુર અને આસપાસના વિસ્તારોનો સંપર્ક તૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્રની આ ઢીલી અને આયોજન વગરની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો વહેલી તકે આ બ્રિજનું કામ પૂર્ણ કરી મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માગ કરી રહ્યા છે.

(4:12 PM IST)