News of Sunday, 7th June 2026
રાજ્યભરમાં 75 હજારથી વધુ ઉમેદવારોએ જીપીએસની પરીક્ષા આપીઃ કડક બંદોબસ્ત સાથે પરીક્ષાનું આયોજન
વિવિધ વર્ગની કુલ ર૬૮ જગ્યાઓ ભરવા ૩ર૩ કેન્દ્રો ફાળવાયેલ

અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે 7 જૂન, રવિવારના રોજ રાજ્યભરમાં વર્ગ 1 અને વર્ગ 2ની વિવિધ ચાર મોટી જાહેરાતો માટેની પ્રિલિમ પરીક્ષાનું એક જ દિવસમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલ્કી સેવા વર્ગ 1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષક-પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને 2ની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવશે.
રાજ્યના 19 જિલ્લાઓમાં ઉભા કરાયેલા કુલ 323 પરીક્ષા કેન્દ્રો પર 75 હજારથી વધુ ઉમેદવારોએ સવારે 11:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્રને ખાસ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં 57 પરીક્ષા કેન્દ્રો પર કુલ 13,289 ઉમેદવારો પરીક્ષા આપેલ. તેમાં 216 દિવ્યાંગ ઉમેદવારો અને 13,082 સામાન્ય ઉમેદવારોનો સમાવેશ થાય છે. બીજી તરફ રાજકોટ શહેરમાં 28 પરીક્ષા કેન્દ્રો પર સૌરાષ્ટ્રભરમાંથી આવેલા કુલ 5,954 ઉમેદવારો પરીક્ષા આપી છે. શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોમાં આ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં કુલ 826 દિવ્યાંગ ઉમેદવારો આ પરીક્ષામાં બેઠા હતા. તેમના માટે વિશેષ સવલતો ઊભી કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સેન્ટરો ફાળવવામાં આવ્યા છે જ્યાં વ્હીલચેર, લિફ્ટ, ભોંયતળિયાની બેઠક વ્યવસ્થા તેમજ 'દિવ્યાંગ મિત્ર' તરીકે રાઇટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત નિયમ મુજબ આવા ઉમેદવારોને પેપર લખવા માટે 60 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવ્યો હતો.
પરીક્ષા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અમદાવાદના તમામ 57 કેન્દ્રો પર ઝોનલ અધિકારી, આયોગના પ્રતિનિધિ અને CCTV સુપરવાઇઝર તૈનાત કરવામાં આવ્યા હતા. પેપર લીકેજ અથવા ચોરી જેવી કોઈ ઘટના ન બને તે માટે 13 સંવેદનશીલ રૂટ પર હથિયારી ગાર્ડ સાથે પ્રશ્નપત્ર પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
