તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Sunday, 7th June 2026
રાજ્યમાં 17થી 21 જૂન વચ્ચે વાવણી લાયક વરસાદની સંભાવના :આગાહીકાર જયપ્રકાશ માઢકે કરી ચોમાસાની ભવિષ્યવાણી
સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે આગામી 10થી 11 જૂન આસપાસ ચોમાસું આર્થિક પાટનગર મુંબઈ સુધી પહોંચી જવાની પૂરેપૂરી શક્યતા

અમરેલીના જાણીતા હવામાન આગાહીકાર જયપ્રકાશ માઢક દ્વારા ચાલુ વર્ષના ચોમાસાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને સચોટ આગાહી કરવામાં આવી છે. તેમની આ આગાહીથી ખેડૂતોમાં વાવણીને લઈને ઉત્સાહ વધ્યો છે.
જયપ્રકાશ માઢકે ભારતીય હવામાન વિભાગની જાહેરાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગત 4 જૂનના રોજ ચોમાસું સત્તાવાર રીતે કેરળ પહોંચી ગયું છે. કેરળથી આગળ વધીને આ ચોમાસું ખૂબ જ ઝડપથી કોંકણ સુધી પહોંચી ગયું છે, જેના કારણે હાલ મહારાષ્ટ્રના દક્ષિણ કિનારે ભારે વરસાદી સ્થિતિ સર્જાઈ છે. સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે આગામી 10થી 11 જૂન આસપાસ ચોમાસું આર્થિક પાટનગર મુંબઈ સુધી પહોંચી જવાની પૂરેપૂરી શક્યતા છે.
આગાહીકાર જયપ્રકાશ માઢકના જણાવ્યા અનુસાર, આગામી 8 જૂનથી 22 જૂન દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે વાવણી લાયક વરસાદ 17 જૂનથી 21 જૂન વચ્ચે થવાના મજબૂત યોગો દેખાઈ રહ્યા છે. આ સમયગાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી થઈ જશે. આ ઉપરાંત જૂન મહિનાના પ્રથમ-બીજા સપ્તાહમાં જ ચોમાસું સમગ્ર દેશમાં ફેલાઈ જવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસા પર અસર કરતા વૈશ્વિક પરિબળો અંગે વાત કરતા જયપ્રકાશ માઢકે જણાવ્યું કે, અલ નીનોના પ્રભાવને લઈને વિવિધ વૈશ્વિક પરિબળો અને તેની સંભવિત અસરો પર પણ નજર રાખવામાં આવી રહી છે. જોકે, જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ રહેશે, તો ચોમાસાના અંતિમ ચરણમાં એટલે કે પાછોતરો વરસાદ પણ ખૂબ સારો થવાની આશા છે. એકંદરે આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે આશાસ્પદ રહેવાના સંકેતો મળી રહ્યા છે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
