તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 8th June 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં એસીબીનો મોટો દરોડો : હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ ડાયાભાઈ પરમાર અને તેના ભાઈ જીવાભાઈ પરમાર ખાણ માલિક પાસેથી રૂા.૫,૦૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
પીઆઈ એ.આર.ગોહિલ અને મદદનીશ નિયામક જે.ડી.મેવાડા તેમજ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી સ્ટાફે કલ્યાણપુર મામલતદાર કચેરી સામે દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં ગોઠવ્યું લાંચનું સફળ છટકું : કાળા પથ્થરની ખાણના ધંધામાં હેરાનગતિ ન કરવા સરપંચ વતી પંચાયતના હોદ્દેદારે કુલ રૂા.૩૦,૦૦,૦૦૦ ની માંગણી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો

કલ્યાણપુર:દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા એક મોટી અને સફળ ટ્રેપ કરીને ભ્રષ્ટાચારી તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના હરીપર ગામમાં આવેલી કાળા પથ્થર કાઢવાની ખાણની કામગીરી સરળતાથી ચલાવવા અને હરીપર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય દ્વારા ખોટી હેરાનગતિ ન કરવામાં આવે તેના અવેજ પેટે લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ મામલે જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવીને સરપંચના પતિ ડાયાભાઈ પરમાર અને તેમના ભાઈ જીવાભાઈ પરમારને રૂા.૫,૦૦,૦૦૦ ની રોકડા રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે.
ખાણ માલિક પાસે કુલ રૂા.૩૦ લાખની માંગણી કરી રૂા.૨૦ લાખ નક્કી કરાયા હતા:
આ સફળ ટ્રેપની વિગત એવી છે કે, આ કામના ફરિયાદી જેઓ એક જાગૃત નાગરિક છે, તેઓ અને તેમના ભાગીદાર (આ કામના સાક્ષી) હરીપર ગામની સીમમાં કાળા પથ્થર કાઢવાની ખાણ ધરાવે છે. આ ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ (શ્રીમતી) તેમજ પંચાયતના સભ્ય દ્વારા ખોટી રીતે હેરાનગતિ ન કરવામાં આવે તે માટે હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ આક્ષેપિત નંબર (૧) ડાયાભાઈ અરજણભાઈ પરમાર (ઉંમર વર્ષ ૫૫, ધંધો-ખેતી, રહે. હરીપર ગામ, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા) એ ફરિયાદી તથા સાક્ષી પાસે કુલ રૂા.૩૦,૦૦,૦૦૦/- ની મોટી રકમની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ ફરિયાદી અને આક્ષેપિતો વચ્ચે થયેલી રકજકના અંતે લાંચની કુલ રકમ રૂા.૨૦,૦૦,૦૦૦/- આપવાનું નક્કી થયું હતું. આ નક્કી થયેલી રકમ પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂા.૫,૦૦,૦૦૦/- આજરોજ તા.૦૮/૦૬/૨૦૨૬ ના રોજ આપી દેવા માટે સરપંચના પતિ ડાયાભાઈ પરમારે દબાણ કર્યું હતું.
મામલતદાર કચેરી સામેની ઓફિસમાં જ ગોઠવાયું લાંચનું છટકું:
ફરિયાદી આ પ્રકારે લાંચની રકમ આપવા બિલકુલ ઈચ્છતા ન હોવાથી, તેઓએ આ અંગે રાજકોટ એસીબી એકમનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા તાત્કાલિક લાંચનું છટકું ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ફરિયાદીના મિત્રની ઓફિસ, જે કલ્યાણપુર મામલતદાર કચેરીની સામે આવેલા દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં આવેલી છે, ત્યાં જામનગર એસીબીની ટીમ ગોઠવાઈ ગઈ હતી.
આ આયોજન મુજબ, ફરિયાદી લાંચની રકમ આપવા માટે ઓફિસે પહોંચ્યા હતા. તે દરમિયાન સરપંચના પતિ ડાયાભાઈ અરજણભાઈ પરમાર અને તેમની સાથે આક્ષેપિત નંબર (૨) જીવાભાઈ અરજણભાઈ પરમાર (ઉંમર વર્ષ ૪૧, ધંધો-ખેતી તથા હાર્ડવેરનો વેપાર, રહે. કલ્યાણપુર, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા) ત્યાં આવ્યા હતા. ઓફિસની અંદર બન્ને આક્ષેપિતોએ ફરિયાદી તથા સાક્ષી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ખાણકામ ચાલવા દેવાના બદલામાં લાંચની રકમ રૂા.૫,૦૦,૦૦૦/- ની માંગણી કરીને તે રકમ સ્વીકારી હતી.
એસીબીની ટીમે ત્રાટકીને રૂા.૫ લાખની રોકડ રકમ રિકવર કરી:
આક્ષેપિતોએ જેવી જ લાંચની રકમ હાથમાં લીધી કે તરત જ પૂર્વ આયોજન મુજબ એસીબીની ટીમે સ્થળ પર ત્રાટકીને બન્ને આરોપીઓને કોર્ડન કરી લીધા હતા. એસીબી દ્વારા આક્ષેપિતો પાસેથી લાંચ પેટે સ્વીકારેલી રૂા.૫,૦૦,૦૦૦/- ની સંપૂર્ણ રકમ સ્થળ પરથી જ રિકવર કરી લેવામાં આવી છે અને બન્ને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળ ટ્રેપનું ઓપરેશન:
આ સમગ્ર સફળ ટ્રેપની કામગીરી એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ અધિકારી અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા તેમજ સુપરવિઝન અધિકારી અને મદદનીશ નિયામક જે.ડી.મેવાડાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ ટ્રેપિંગ ઓપરેશનને જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલ તથા તેમના એસીબી સ્ટાફના માણસોએ સફળતાપૂર્વક પાર પાડીને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. પંચાયતના પ્રતિનિધિ તરીકે વહીવટ કરતા સરપંચના પતિ અને તેના ભાઈ લાંચ લેતા ઝડપાઈ જતાં સમગ્ર કલ્યાણપુર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
