<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

સુરતના પાલ વિસ્તારમાં ચોથા માળે સાફ- સફાઈ કરવા ગયેલો યુવક ફસાયો: ફાયર વિભાગે દિલધડક ઓપરેશન કરી યુવકનો બચાવ કર્યો

બિલ્ડિંગના ચોથા માળે બહારની બાજુએ દિવાલની સાઈડ સાફ કરવા માટે તે અતિ જોખમી રીતે બહાર તો નીકળી ગયો, પરંતુ સફાઈ કર્યા બાદ ત્યાંથી પરત ફરી શકાય તેમ ન હોવાથી તે ચોથા માળે જ હવામાં ફસાઈ ગયો

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી એક આર્કેડમાં સાફ-સફાઈ દરમિયાન એક યુવક ઊંચાઈ પર ફસાઈ જતાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પાલના વિશાલ આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સના ચોથા માળે દિવાલની બહારની સાઈડ સાફ કરવા ગયેલો એક યુવક ત્યાં જ અટવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમ આધુનિક સાધનો સાથે દોડી ગઈ હતી અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી યુવકનો આબાદ બચાવ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, પાલ ખાતે આવેલા 'વિશાલ આર્કેડ' નામના શોપિંગ કોમ્પ્લેક્સમાં એક યુવક સફાઈ કામ માટે આવ્યો હતો. બિલ્ડિંગના ચોથા માળે બહારની બાજુએ આવેલી દિવાલની સાઈડ સાફ કરવા માટે તે અતિ જોખમી રીતે બહાર તો નીકળી ગયો, પરંતુ સફાઈ કર્યા બાદ ત્યાંથી પરત ફરી શકાય તેમ ન હોવાથી તે ચોથા માળે જ હવામાં ફસાઈ ગયો હતો. નીચે ઉતરી શકાય તેમ ન હોવાથી યુવકનો જીવ તાળવે ચોંટ્યો હતો અને આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને કંટ્રોલ રૂમ પર જાણ કરી હતી.

 

ઘટનાની ગંભીરતાને જોતા ફાયર ઓફિસર વાનખેડે સહિતની ફાયર ટીમ તાત્કાલિક હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેડર (TTL) જેવા આધુનિક વાહનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ચોથા માળે યુવક સંતુલન ગુમાવીને નીચે ન પડી જાય તે માટે ફાયરના જવાનોએ સૌથી પહેલા તેને 'સેફ્ટી બેલ્ટ' પહેરાવી સુરક્ષિત કર્યો હતો.

યુવક જ્યાં ફસાયો હતો ત્યાં બિલ્ડિંગના ફિક્સ ગ્લાસ (કાચ) આડા આવતા હોવાથી ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી કોમ્પ્લેક્સના કાચ તોડી નાખ્યા હતા. ત્યારબાદ ટર્ન ટેબલ લેડરની મદદથી યુવકને અત્યંત સાવચેતીપૂર્વક સહી-સલામત નીચે ઉતારવામાં આવ્યો હતો. ફાયર વિભાગની અડધા કલાકની ભારે જહેમત અને કુશળતાને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. સુરક્ષિત નીચે ઉતારતા જ યુવકે અને ત્યાં હાજર લોકોએ ફાયર ટીમનો આભાર માન્યો હતો.

(9:50 PM IST)