<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

નવસારી SOGની કાર્યવાહી : બોરીયાચ ટોલપ્લાઝા પાસેથી 16 તલવારો સાથે બે શખ્સો ઝડપાયા: બંને ગાંધીનગરના રહેવાસી

પોલીસે બંને આરોપીઓ સામે હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિત સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બોરીયાચ ટોલપ્લાઝા નજીકથી ગેરકાયદેસર રીતે 16 તલવારો સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી અંદાજે ₹4,800 કિંમતની તલવારો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના જાહેરનામા અંતર્ગત તલવાર, ભાલા, બંદૂક, ચપ્પુ સહિતના શસ્ત્રો સાથે જાહેર સ્થળોએ ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાના કડક અમલ માટે સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ (IPS) દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી.
SOGના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અ.હે.કો. ભક્તેશ નિવૃત્તિભાઈ અને અ.હે.કો. મયુર રઘુભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે બોરીયાચ ટોલપ્લાઝાથી ચીખલી તરફ જતાં માર્ગ પર આવેલી હોટલ શ્રી કૃષ્ણા નજીક વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી તેમની તપાસ કરતાં તેમની પાસેથી કુલ 16 લોખંડની તલવારો મળી આવી હતી. ત્યારબાદ બંનેને સ્થળ પરથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ થઈ છે:
દેવાનંદ ભાનુ મારવાડી (ઉંમર 24), રહે. પશુ દવાખાના પાછળના છાપરા, કલોલ, ગાંધીનગર
ભોલેનાથ આત્મારામ મારવાડી (ઉંમર 25), રહે. પશુ દવાખાના પાસે, કલ્યાણપુરા, કલોલ, ગાંધીનગર
અગાઉના ગુનાઓનો પણ ઈતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહ્યા છે.
દેવાનંદ મારવાડી સામે:
કલોલ પોલીસ સ્ટેશન, ગાંધીનગરમાં જી.પી. એક્ટ હેઠળ ગુનો (2025)
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ હેઠળ ગુનો (2025)
ચીખલી પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ હેઠળ ગુનો (2026)
ભોલેનાથ મારવાડી સામે:
અંકલેશ્વર સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 503 અને જી.પી. એક્ટ હેઠળ ગુનો (2023)
કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 (ચોરી) હેઠળ ગુનો (2023)
હથિયારબંધીના નિયમોના ભંગ બદલ કાર્યવાહી
પોલીસે બંને આરોપીઓ સામે હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિત સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નવસારી પોલીસ દ્વારા જિલ્લામાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવી વિશેષ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

(1:45 PM IST)