<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

સુરત મહાનગરપાલિકાના ટેન્ડરના નામે રૂ.1.84 કરોડની છેતરપિંડી, ખટોદરા પોલીસમાં ગુનો નોંધાયો

ડીડીમાં રકમ સાથે ચેડાં કરી ખોટા દસ્તાવેજો રજૂ કર્યાનો આક્ષેપ, આર્થિક ગુન્હા નિવારણ શાખાએ તપાસ શરૂ કરી

સુરત શહેરમાં મહાનગરપાલિકાના ટેન્ડર અપાવવાની લાલચ આપી રૂ.1.84 કરોડથી વધુની છેતરપિંડી આચરાયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આર્થિક ગુન્હા નિવારણ શાખાએ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રહેવાસી અને હાલ સુરતના સણિયા ગામ વિસ્તારમાં રહેતા ચંદ્રકાંત રમેશ નિકુંભ ફેબ્રિકેશન વર્કશોપનો વ્યવસાય કરે છે. આરોપી રાજેન્દ્ર દીનકર ચૌધરીએ સુરત મહાનગરપાલિકાનું મોટું ટેન્ડર અપાવી આપવાની ખાતરી આપી તેમની સાથે સંપર્ક સાધ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું છે કે ડિસેમ્બર-2024થી જાન્યુઆરી-2025 દરમિયાન આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. જોકે બાદમાં તપાસમાં સામે આવ્યું કે સુરત મહાનગરપાલિકાનું આવું કોઈ ટેન્ડર અસ્તિત્વમાં જ નહોતું.
આરોપીએ વિશ્વાસ ઉભો કરવા માટે તા. 19 ડિસેમ્બર 2024ના રોજ ડિમાન્ડ ડ્રાફ્ટ (DD)નો ફોટોગ્રાફ વોટ્સએપ મારફતે મોકલ્યો હતો. ફરિયાદ અનુસાર મૂળ ડીડીની રકમ રૂ.1,48,299 હતી, પરંતુ તેમાં ડિજિટલ ચેડાં કરીને રૂ.1,48,29,900 દર્શાવવામાં આવ્યા હતા. આ રીતે ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કરી ફરિયાદીને ભ્રમિત કરવામાં આવ્યા હતા.
ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપીએ ખોટા દસ્તાવેજો અને ખોટી માહિતીના આધારે તેમની પાસેથી કુલ રૂ.1,84,12,166 મેળવ્યા હતા. ત્યારબાદ ટેન્ડર કે નાણાં અંગે કોઈ સ્પષ્ટતા ન કરતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.
આ મામલે ખટોદરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4), 336(2), 336(3), 338 અને 340(2) હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી રાજેન્દ્ર દીનકર ચૌધરી તેમજ તપાસ દરમિયાન સામે આવનાર અન્ય વ્યક્તિઓની ભૂમિકા પણ તપાસ હેઠળ રાખવામાં આવી છે.
કેસની વધુ તપાસ સુરત આર્થિક ગુન્હા નિવારણ શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. પવાર દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે નાણાકીય વ્યવહારો, બેંકિંગ દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને ટેન્ડર સંબંધિત તમામ વિગતોની તપાસ શરૂ કરી છે.
આ બનાવ ફરી એકવાર મોટા નફા અને સરકારી ટેન્ડરના બહાને કરવામાં આવતી આર્થિક છેતરપિંડી સામે સાવચેત રહેવાની જરૂરિયાત દર્શાવે છે

(1:47 PM IST)