<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓ પાસેથી હિસાબી સત્તા પરત, આરોગ્ય વિભાગનો કડક નિર્ણય

વર્ગ-3 અને વર્ગ-4ના કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય કામગીરી સોંપવા પર પ્રતિબંધ, હવે માત્ર નિયમિત કર્મચારીઓ જ કરશે હિસાબી કામ; ગેરરીતિ થશે તો સંસ્થાના વડા જવાબદાર

ગાંધીનગર, તા. 9 : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં નાણાકીય પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિભાગે પરિપત્ર જાહેર કરીને વર્ગ-3 અને વર્ગ-4ના આઉટસોર્સિંગ તેમજ કરાર આધારિત કર્મચારીઓને હિસાબી અને નાણાકીય કામગીરી સોંપવા પર પ્રતિબંધ મૂક્યો છે.

 

પરિપત્ર મુજબ, હાલમાં આવા કર્મચારીઓ પાસે રહેલી તમામ હિસાબી અને નાણાકીય જવાબદારીઓ તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવાની રહેશે અને તે કામગીરી માત્ર નિયમિત સરકારી કર્મચારીઓને જ સોંપવાની રહેશે.

 

આરોગ્ય વિભાગના ધ્યાન પર આવ્યું હતું કે રાજ્યની કેટલીક સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ પાસેથી સરકારી નાણાંકીય વ્યવહારો અને હિસાબી કામગીરી કરાવવામાં આવી રહી હતી. બિન-કાયમી કર્મચારીઓ પાસે આવી જવાબદારી હોવાના કારણે ભવિષ્યમાં નાણાકીય ગેરરીતિ, હિસાબી ભૂલો તેમજ ઓડિટ દરમિયાન ગંભીર વાંધાઓ ઊભા થવાની શક્યતા હતી.

 

આ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને વિભાગે રાજ્યવ્યાપી સ્તરે આ નિર્ણય અમલમાં મૂક્યો છે. નવા આદેશ અનુસાર કોઈપણ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અથવા કચેરીમાં નાણાકીય ગેરરીતિ, ઉચાપત કે હિસાબી ખામી સામે આવશે તો તેની સીધી જવાબદારી સંબંધિત સંસ્થાના વડા અથવા કચેરીના વડાની રહેશે.

 

વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જવાબદારી અને પારદર્શિતા જાળવવા માટે હંગામી, કરાર આધારિત અથવા આઉટસોર્સિંગ કર્મચારીઓને નાણાકીય સત્તા સોંપવી યોગ્ય ગણાશે નહીં.

 

પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે જો કોઈ હોસ્પિટલ અથવા આરોગ્ય સંસ્થામાં નિયમિત કર્મચારીઓની અછતને કારણે અનિવાર્ય સંજોગોમાં આઉટસોર્સિંગ કર્મચારીને હિસાબી કામગીરી સોંપવાની જરૂર પડે, તો તે પહેલાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સક્ષમ અધિકારીની લેખિત મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

 

વિભાગે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સંબંધિત કચેરીઓને આ આદેશનો કડક અમલ કરવા સૂચના આપી છે. આ નિર્ણયને સરકારી આરોગ્ય તંત્રમાં નાણાકીય શિસ્ત, જવાબદારી અને પારદર્શિતા વધારવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

(2:24 PM IST)