News of Tuesday, 9th June 2026
ગુજરાત-રાજસ્થાન સરહદે ટ્રાવેલ બસમાંથી રૂ.૪ કરોડના સોના-ચાંદીના દાગીના જપ્ત : ૩ની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી માવલ ચોકી ખાતે રાજસ્થાન પોલીસે નિયમિત વાહન ચેકિંગ દરમિયાન પાલનપુરથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ બસમાંથી રૂ.૪ કરોડથી વધુ કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે અને દાગીનાનાસ્ત્રોત તેમજ ગંતવ્ય અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ તપાસ દરમિયાન ત્રણેય મુસાફરોની અલગ-અલગ બેગમાંથી સોના અને ચાંદીના દાગીનાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આ દાગીનાઓ અંગે બિલ, માલિકીના દસ્તાવેજો અથવા અન્ય કાનૂની પુરાવા રજૂ કરવા જણાવ્યું ત્યારે તેઓ કોઈ સંતોષકારક દસ્તાવેજો રજૂ કરી શકયા ન હતા. આથી પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરીને ત્રણેય મુસાફરોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સિરોહી જિલ્લાના બારલુત ગામના રહેવાસી ૫૩ વર્ષીય રમેશ કુમાર પાસેથી ૧.૩૫૦ કિલો સોનાના દાગીના અને ૩૦૦ ગ્રામ ચાંદી મળી આવી હતી. બીજા આરોપી, સિરોહીના વેરા વિલપુર વિસ્તારના ૩૨ વર્ષીય ગજેન્દ્ર સિંહ પાસેથી ૮૯૦ ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા આરોપી અમદાવાદના ૫૦ વર્ષીય ચંદુલાલ પાસેથી ૫૭૧.૫ ગ્રામ સોનું અને ૫૦૦ ગ્રામ ચાંદી મળી આવી હતી.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
