News of Tuesday, 9th June 2026
નળસરોવર નજીક વાસણ ગામમાં ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો: હજારો લીટર દારૂનો વોશ અને લાખોનો મુદ્દામાલ જપ્ત
એલસીબીની ટીમે દારૂ ગાળવાના સાધનો, વાસણો અને અન્ય સામગ્રી સહિત કુલ 1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો :મુખ્ય ત્રણ મહિલા આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા

અમદાવાદના સુપ્રસિદ્ધ નળસરોવર વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ વ્યાપક નશાના કારોબારને નાબૂદ કરવા માટે એલસીબીની ટીમે વાસણ ગામના તળાવ કાંઠે આવેલા સ્મશાન ગૃહની નજીક ઓચિંતો દરોડો પાડીને દેશી દારૂ બનાવવાની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડી છે.
પોલીસના આ સફળ ઓપરેશન દરમિયાન ઘટનાસ્થળેથી અંદાજે 4,650 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો કાચો માલ એટલે કે 'વોશ' ઝડપાયો હતો, જેને પોલીસે સ્થળ પર જ નષ્ટ કર્યો હતો. આ ઉપરાંત, વેચાણ માટે સંપૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવેલો 105 લીટર દેશી દારૂ પણ પોલીસે કબ્જે કર્યો છે. એલસીબીની ટીમે દારૂ ગાળવાના સાધનો, વાસણો અને અન્ય સામગ્રી સહિત કુલ રૂપિયા 1,37,000 (1.37 લાખ) નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ચલાવવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નેટવર્ક મહિલાઓ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. પોલીસ દરોડા દરમિયાન આ કેસના મુખ્ય ત્રણ મહિલા આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પોલીસે ચોપડે વોન્ટેડ જાહેર કર્યા છે. ફરાર થઈ ગયેલી મહિલાઓમાં સવિતાબેન ઠાકોર, શકરીબેન ઠાકોર અને નાનીબેન ઠાકોરનો સમાવેશ થાય છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ ત્રણેય મહિલા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
