તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Thursday, 11th June 2026
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા સાવધાન: બિયારણ-ખાતરમાં ગેરરીતિ કરનારા સીધા જેલ ભેગા થશે : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની કડક ચેતવણી
ડુપ્લિકેટ માલ વેચનાર અને સંગ્રહખોરો સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ, PBM એક્ટ હેઠળ જેલ અને દંડની જોગવાઈ, 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ, 2 સામે પોલીસ ફરિયાદ

ગાંધીનગર, તા.૧૧ : રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વોને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, ખેડૂતોના હિત-શત્રુઓ, ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારા કે સંગ્રહખોરી કરનારા તત્વોને રાજ્ય સરકાર સાંખી નહીં લે. મંત્રીશ્રીએ આવા ગેરકાનૂની કામ કરતાં તત્વો સામે કાયદાનું શસ્ત્ર ઉગામીને કડક કાનૂની પગલાં ભરવા માટે કૃષિ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા સુનિશ્ચિત કરતા કેન્દ્ર સરકારના ચોક્કસ હુકમો અમલમાં છે. આ કાયદા હેઠળ જો કોઈ પણ સંસ્થા કે વિક્રેતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કે અનિયમિતતા આચરતા પકડાશે, તો ગુનાની ગંભીરતા જોઈને માત્ર લાયસન્સ જ રદ નહીં થાય, પણ તેમની સામે સીધી પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે “ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી (પીબીએમ) એક્ટ-1980” હેઠળ જેલની સજા અને દંડ થાય તેવા કડક આદેશો આપી દેવાયા છે.
ખેડૂતોના હિતોના રક્ષણ માટે કૃષિ વિભાગ હસ્તકનું ગુણવત્તા નિયંત્રણ તંત્ર સતત સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. ચાલુ વર્ષે માત્ર ત્રણ જ મહિનામાં 85 વિજીલન્સ ટીમોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના કુલ 3,526 ઉત્પાદકો અથવા વિક્રેતાઓ તેમજ ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 74 એકમોની સઘન તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે કુલ 1,060 નમૂનાઓ લેવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન અનિયમિતતા જણાતા અત્યાર સુધીમાં 752 વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમોના ઉલ્લંઘન બદલ ખાતરના 42, બિયારણના 06 અને જંતુનાશક દવાના 06 મળીને કુલ 54 લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવાયા છે. ગંભીર બેદરકારી બદલ ખાતરના એક અને જંતુનાશક દવાના એક મળી કુલ બે ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સબસિડીવાળા ખાતર પર પણ કડક વૉચ રાખવામાં આવી રહી છે. સરકારી સબસીડાઈઝ ખાતરનું વેચાણ કરતી તમામ પેઢીઓના POS મશીન, ભૌતિક જથ્થો, રેકોર્ડ અને બિલોની નિયમિત ચકાસણી થઈ રહી છે. ચાલુ વર્ષમાં આજ-દિન સુધી કુલ 4,674 ખાતર વિક્રેતાઓ અને ઉત્પાદકોની સ્થળ મુલાકાત લેવામાં આવી છે.
ગત વર્ષે કૃષિ વિભાગની 276 ટીમો દ્વારા વિજીલન્સ સ્કવોર્ડ દ્વારા કુલ 6,380 ઉત્પાદકો, વિક્રેતાઓ અને શંકાસ્પદ એકમોની ચકાસણી કરાઈ હતી. જેમાં ખાતર, દવા અને બિયારણના કુલ 246 લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાયદાનો ભંગ કરનારા કુલ 26 તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે જગતના તાતને કોઈ પણ પ્રકારે આર્થિક નુકસાન ન થાય અને તેમને શ્રેષ્ઠ કૃષિ ઉત્પાદનો મળે તે માટે સરકાર રાત-દિવસ કાર્યરત છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે ભવિષ્યમાં પણ આ જ પ્રકારે કડક પગલાં ચાલુ રહેશે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
