<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

રાજ્યમાં એક મહિનાની સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવમાં ૧.૮૮ લાખથી વધુ વાહનચાલકો દંડાયા : કુલ રૂ. ૫.૨૧ કરોડની માતબર રકમ વસૂલાઈ

સરકારી બાબુઓ પણ ઝપટે ચડ્યા : નિયમનો ભંગ કરનારા ૫,૧૨૩ સરકારી અધિકારી - કર્મચારીઓ પાસેથી રૂ. ૧૬.૫૮ લાખનો દંડ વસૂલતી ટ્રાફિક પોલીસ : દંડ વસૂલવો લક્ષ્ય નથી પણ નાગરિકોની જિંદગી બચાવવી એ જ સંકલ્પ - રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક

 ગાંધીનગર:  માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ૧ થી ૩૧ મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યભરમાં યોજાયેલી આ ઝુંબેશમાં સરકારી બાબુઓ સહિત કુલ ૧.૮૮ લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. ૫.૨૧ કરોડની રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.

 

 સરકારી અધિકારી-કર્મચારીઓ સામે કડક કાર્યવાહી:

ટ્રાફિકના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ નહીં પણ દરેક માટે સમાન છે તે આ ડ્રાઈવ દરમિયાન સાબિત કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ દરમિયાન સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. કચેરીએ આવતા અને નિયમભંગ કરનારા ૫,૧૨૩ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. ૧૬.૫૮ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

 

 દંડ વસૂલવો એ લક્ષ્ય નથી, સુરક્ષા અમારો સંકલ્પ - જી.એસ.મલિક

આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકે જણાવ્યું કે, દંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું લક્ષ્ય નથી, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિ માત્ર પોલીસના ડરથી કે દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારની ખુશીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ અચૂક પહેરે. માર્ગ સુરક્ષા એ માત્ર પોલીસની જ નહીં, આપણા સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્યના તમામ નાગરિકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી જવાબદાર નાગરિક બને તેવી તેઓએ અપીલ કરી છે.

 

 પરિવારને આજીવન વસવસો ન રહે તે માટે કડકાઈ:

માર્ગ અકસ્માતોના અનેક કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે માત્ર એક હેલ્મેટ પહેરવાના કારણે વાહનચાલકનો જીવ આબાદ બચી ગયો હોય. જ્યારે અનેક કિસ્સાઓમાં "જો હેલ્મેટ પહેર્યું હોત, તો આજે આપણો વ્હાલસોયો સ્વજન જીવિત હોત..." તેવો કાયમી વસવસો પરિવારે આજીવન ભોગવવો પડે છે. ગુજરાત પોલીસ નથી ઈચ્છતી કે કોઈ પણ પરિવાર આવો આઘાત સહન કરે. પોલીસ દ્વારા અવારનવાર એવી પણ ડ્રાઈવ કરાય છે જેમાં નિયમભંગ કરનારને દંડ કરવાને બદલે ગુલાબનું ફૂલ કે હેલ્મેટ આપીને તેનું મહત્વ સમજાવવામાં આવે છે, પરંતુ કાયદાનું પાલન કરાવવા માટે કડકાઈ પણ એટલી જ જરૂરી છે.

(11:56 AM IST)