News of Thursday, 11th June 2026
ગરીબોના નામે ઉદ્યોગપતિઓનો ખેલ? મોતા ગામની સરકારી જમીનને લઈને ગંભીર આક્ષેપો
અલાઈનમેન્ટ બદલી સરકારી ડ્રેનેજ લાઇન ડાયવર્ટ કરાઈ હોવાનો આરોપ, ગ્રામજનોએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામમાં સરકારી ગૌચર અને પડતર જમીનના ઉપયોગને લઈને વિવાદ ઊભો થયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરકારી જમીન પર ગેરરીતિપૂર્વક કબ્જો જમાવવા માટે કેટલાક તત્વોએ નિયમોની અવગણના કરી છે અને તંત્રની મંજૂરી વિના સરકારી ડ્રેનેજ લાઇનનું અલાઈનમેન્ટ પણ બદલી નાખવામાં આવ્યું છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ મોતા ગામના બ્લોક નં. 1418 (ખાતા નં. 1435) હેઠળની અંદાજે 27 વિઘા સરકારી જમીન પર પંચાયત કે વહીવટી તંત્રની મંજૂરી વગર ડ્રેનેજ લાઇનને ડાયવર્ટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જાગૃત ગ્રામજનોએ સરપંચ અને તલાટી-કમ-મંત્રીને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવા તથા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
20 વર્ષ જૂની જમીન ફાળવણી પર સવાલ
ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે બે દાયકા પહેલાં સરકાર દ્વારા આ જમીન ગામના જમીનવિહોણા અને આર્થિક રીતે નબળા સાત પરિવારોને ખેતી અને રોજગારી માટે સાંથણી તરીકે ફાળવવામાં આવી હતી. નિયમ મુજબ ફાળવણી બાદ બે વર્ષમાં જમીનને ખેતીલાયક બનાવી પાકનું ઉત્પાદન શરૂ કરવાનું અને સંબંધિત નોંધણી કરાવવાની શરત હતી.
આક્ષેપ છે કે ફાળવણી પછી વર્ષો વીતી ગયા હોવા છતાં જમીનનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવ્યો નથી, તેમ છતાં જમીન સરકાર હસ્તક પરત લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ નથી.
ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની સાંઠગાંઠના આક્ષેપ
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારના કેટલાક ઉદ્યોગપતિઓએ પોતાના પ્રોજેક્ટના વિસ્તરણ માટે આ જમીન પર પરોક્ષ કબજો મેળવવાનો પ્રયાસ કર્યો છે. ગ્રામજનોના મતે, મૂળ ફાળવણીદારોના નામે જમીન રાખી પાછળથી સાટાખત જેવી પ્રક્રિયા દ્વારા વાસ્તવિક નિયંત્રણ અન્ય લોકોના હાથમાં પહોંચ્યું હોવાની શંકા છે.
તેમજ ખાનગી પ્રોજેક્ટને અનુકૂળ બનાવવા માટે સરકારી ડ્રેનેજ લાઇનને પણ મંજૂરી વગર ડાયવર્ટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે આ આરોપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તેની તપાસ થવાની બાકી છે.
જાહેર હિત માટે જમીનનો ઉપયોગ કરવાની માંગ
ગ્રામસભામાં ગ્રામજનોએ માંગ કરી હતી કે જો જમીનનો મૂળ હેતુ પૂર્ણ થયો ન હોય તો આ સરકારી જમીન સરકારના કબજામાં પરત લેવામાં આવે. તેમણે સૂચન કર્યું હતું કે આ જમીનનો ઉપયોગ ગામના હિત માટે હોસ્પિટલ, સ્મશાનગૃહ, પ્રાથમિક શાળા અથવા અન્ય જાહેર સુવિધાઓ માટે કરવામાં આવે.
ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે.
આ મામલે જિલ્લા કલેક્ટર, બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર, પ્રાંત અધિકારી તથા મામલતદારને પણ રજૂઆત મોકલી સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય અને પારદર્શક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
