News of Thursday, 11th June 2026
મ્યુલ એકાઉન્ટ કેસમાં આરોપીના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા
₹2.62 કરોડની રકમ 10 ખાતાઓમાં ટ્રાન્સફર, કમિશનના બદલામાં ખાતાનો ઉપયોગ કરાવતો હતો આરોપી

તાપી જિલ્લાના ચર્ચિત ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત ઝડપાયેલા આરોપી આકાશ સુરેશભાઈ કુમાવતની પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તાપી સાયબર ક્રાઈમ પોલીસે કોર્ટમાંથી મેળવેલા બે દિવસના રિમાન્ડ દરમિયાન સમગ્ર રેકેટની કામગીરી અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
પોલીસ તપાસ મુજબ, વોન્ટેડ આરોપી અબ્દુલે આકાશ કુમાવતને વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં આશરે દસ દિવસ સુધી રોક્યો હતો. આ સમયગાળા દરમિયાન આકાશના બેંક ખાતામાં આવેલા કરોડો રૂપિયાના નાણાં અન્ય વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા પોલીસ વડા જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ તાપી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI જે.બી. આહીર અને PSI ડી.આર. બથવારની ટીમે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે IDFC First Bankના એક ખાતામાં જમા થયેલી અંદાજે ₹2.62 કરોડની રકમ માત્ર બે દિવસમાં 10 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર ઠગાઈ દ્વારા મેળવાયેલી રકમને ઝડપથી વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને તેની મૂળ કડી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આ પદ્ધતિને સામાન્ય ભાષામાં "મ્યુલ એકાઉન્ટ" તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અન્ય વ્યક્તિઓના બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ગેરકાયદે નાણાંની હેરફેર કરવામાં આવે છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આકાશ કુમાવત પોતાના બેંક ખાતા અને બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ કરવા દેવાના બદલામાં કુલ ટ્રાન્ઝેક્શન રકમના અંદાજે 10 ટકા જેટલું કમિશન મેળવતો હતો. આ રીતે તે સાયબર ઠગાઈથી મેળવાયેલા નાણાંને એક ખાતાથી બીજા ખાતામાં ખસેડવાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવતો હતો.
પોલીસનું માનવું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની કડીઓ આંતરરાજ્ય સ્તરે કાર્યરત મોટા સાયબર ફ્રોડ નેટવર્ક સાથે જોડાયેલી હોઈ શકે છે. હાલમાં વોન્ટેડ આરોપી અબ્દુલ સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નાણાકીય લેવડદેવડ, બેંક ખાતાઓ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીઓનું માનવું છે કે તપાસ આગળ વધતાં સાયબર ઠગાઈના વધુ ગુનાઓ અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે મહત્વની માહિતી બહાર આવી શકે છે
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
