<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

અડાજણમાં કોમર્શિયલ પ્રોપર્ટી વેચાણના બહાને ₹1.70 કરોડની છેતરપિંડીનો આરોપ

પ્રોપર્ટીના દસ્તાવેજો કરી આપવાના વાયદા કરીને મોટી રકમ ઉઘરાવી બાદમાં વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નહોતી.


સુરતના અડાજણ વિસ્તારમાં કોમર્શિયલ પ્રોપર્ટી વેચાણ કરાવી આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ પ્રોપર્ટીના દસ્તાવેજો કરી આપવાના વાયદા કરીને મોટી રકમ ઉઘરાવવામાં આવી હતી, પરંતુ બાદમાં વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નહોતી.
અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, 62 વર્ષીય વેપારી રાજેશભાઈ ચંપકલાલ સોપારીવાલાએ પિન્કેશકુમાર સુરેશભાઈ પટેલ સામે ગુનો નોંધાવ્યો છે. આરોપી અગાઉ અડાજણ વિસ્તારમાં રહેતો હતો અને હાલમાં પાલ વિસ્તારમાં રહે છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2017થી આરોપીએ ફરિયાદી અને તેમના પરિવારજનોને વિવિધ કોમર્શિયલ પ્રોપર્ટી તેમજ પુણાગામ ખાતે આવેલા ક્રિએશન પ્લાઝામાં દુકાન નંબર 111 અને 112 વેચાણ આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. આરોપીએ અલગ-અલગ કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત કરાવી પ્રોપર્ટીના દસ્તાવેજો કરી આપવાની ખાતરી આપી હતી.
આ વિશ્વાસના આધારે ફરિયાદી અને અન્ય લોકોએ બેંક ટ્રાન્ઝેક્શન, રોકડ ચૂકવણી તેમજ લેખિત નોંધોના આધારે કુલ ₹1,70,30,000 જેટલી રકમ આરોપીને આપી હતી. જોકે, પ્રોપર્ટીનું વેચાણ કે દસ્તાવેજી હસ્તાંતરણ કરવામાં આવ્યું નહોતું.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુલ રકમમાંથી માત્ર મર્યાદિત રકમ પરત કરવામાં આવી હતી, જ્યારે ₹1,61,64,900 જેટલી મોટી રકમ આજદિન સુધી પરત આપવામાં આવી નથી.
આ મામલે અડાજણ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કેસની તપાસ સુરત શહેર આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. છાસીયાને સોંપવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આર્થિક વિશ્વાસઘાત અને પ્રોપર્ટી સંબંધિત વ્યવહારોની અનેક વિગતો સામે આવી રહી છે. પોલીસ બેંક ટ્રાન્ઝેક્શન, દસ્તાવેજો અને અન્ય નાણાકીય પુરાવાઓની ચકાસણી કરી રહી છે.

(12:24 PM IST)