તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Thursday, 11th June 2026
રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકની મોટી પહેલ :નાગરિકોને પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગરનો ધક્કો નહિ થાય :સ્થાનિક સ્તરેથી જ નિકાલ થશે
ફરિયાદોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત:જનસંપર્ક કેન્દ્રની મુલાકાત બાદ રાજ્ય પોલીસ વડાએ કહ્યું નાગરિકોને ન્યાય માટે ગાંધીનગર ન આવવું પડે તે જોવું તંત્રની જવાબદારી છે.

ગુજરાતના પોલીસ વડા જી.એસ. મલિકે રાજ્યના પોલીસ તંત્રને વધુ પારદર્શક અને નાગરિક કેન્દ્રિત બનાવવાના દિશામાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધીનગર સ્થિત ગૃહ વિભાગના જનસંપર્ક કેન્દ્ર અને પોલીસ ભવન ખાતેના જનસંપર્ક કાર્યાલયની ઓચિંતી મુલાકાત લીધા બાદ ડીજીપીએ સ્પષ્ટ કર્યું હતું કે, હવે નાગરિકોએ પોતાના નાના-મોટા પ્રશ્નોના નિવારણ માટે ગાંધીનગર સુધી લાંબા ન થવું પડે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
મુલાકાત દરમિયાન જી. એસ મલિકે અરજદારો સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. તેમણે સમીક્ષામાં જોયું કે કયા જિલ્લાઓમાંથી અરજદારોની સંખ્યા ગાંધીનગર આવવા માટે વધુ રહે છે. આ સમીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, જે જિલ્લામાંથી વધુ ફરિયાદકર્તાઓ આવે છે, ત્યાં જ સ્થાનિક સ્તરે આ પ્રશ્નોનો સંતોષકારક નિકાલ થાય. ડીજીપીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવાથી નાગરિકોનો સમય અને શક્તિ બંને બચશે.
વર્તમાન સમયમાં ગાંધીનગર ખાતે આવતી તમામ રજૂઆતોને તાત્કાલિક અસરથી જે-તે જિલ્લાના પોલીસ યુનિટમાં મોકલી આપીને તેનો ઝડપી અને ન્યાયિક નિકાલ થાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. પોલીસ વડાએ ભારપૂર્વક કહ્યું હતું કે, જનસંપર્ક કાર્યાલય એ માત્ર અરજીઓ સ્વીકારવાનું સ્થળ નથી, પરંતુ તે પોલીસ અને જનતા વચ્ચેના વિશ્વાસનો મજબૂત સેતુ છે.
આગામી દિવસોમાં આ વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવામાં આવશે જેથી રાજ્યનું પોલીસ તંત્ર વધુ લોકભોગ્ય અને જવાબદાર બની શકે. પોલીસ વડાની આ પહેલથી રાજ્યભરના નાગરિકોમાં નવી આશા જન્મી છે. સ્થાનિક સ્તરે જ ફરિયાદોનું નિવારણ થવાથી પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોમાં પણ વધુ મધુરતા આવશે તેવું પ્રશાસનિક નિષ્ણાતો માની રહ્યા છે. પોલીસ તંત્રની આ નવી લોકકેન્દ્રિત નીતિને લોકો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
