News of Thursday, 11th June 2026
અમદાવાદના રાયપુર-કાંકરિયા માર્ગ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા રસ્તાને ૨૪ મીટર જેટલો પહોળો કરવામાં આવશે,
રોડના નિર્માણ માટે અનેક કોમર્શિયલ અને રહેણાંક મિલકતો કપાતમાં જશે, જેની સામે માલિકોને યોગ્ય વળતર અથવા TDR આપવામાં આવશે

અમદાવાદ શહેરમાં સતત વધતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીનો રોડ પહોળો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાને ૨૪ મીટર જેટલો પહોળો કરવામાં આવશે, જેથી વાહનચાલકોને ટ્રાફિકની જંજાળમાંથી મુક્તિ મળી શકે.
આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કરવામાં આવેલી રોડ લાઇન કપાત હેઠળ કુલ 40 મિલકતો બાધિત થશે. જેમાં 34 કોમર્શિયલ મિલકતો (દુકાનો) અને 6 રહેણાંક મિલકતોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીને પગલે અસરગ્રસ્ત મિલકત ધારકોમાં ચિંતા અને જિજ્ઞાસા બંને જોવા મળી રહી છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે લોકોની મિલકત કપાતમાં જશે, તેમને સરકારના નિયમ મુજબ યોગ્ય આર્થિક વળતર અથવા TDR આપવામાં આવશે.
રાયપુર અને કાંકરિયા વચ્ચેનો આ રસ્તો ખૂબ જ વ્યસ્ત રહેતો હોવાથી અહીં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રોડ પહોળો થવાથી આ વિસ્તારમાં ટ્રાફિકનું પ્રવાહ સુગમ બનશે અને અકસ્માતની શક્યતાઓ પણ ઘટશે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ પ્રોજેક્ટના પ્લાનિંગ પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ સાથે ચર્ચા કર્યા બાદ જ આગામી કાર્યવાહી કરવામાં આવશે. તંત્રના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ શહેરના માળખાગત વિકાસમાં એક મહત્વનું પગલું સાબિત થશે. રસ્તા પહોળા થવાથી આસપાસના વિસ્તારના લોકોના અવર-જવરના સમયમાં પણ ઘટાડો થશે. અમદાવાદના આ મુખ્ય રૂટના આધુનિકીકરણથી પરિવહન વ્યવસ્થા વધુ સુરક્ષિત અને ઝડપી બનશે. તંત્રની આ કામગીરીને પગલે હવે આગામી દિવસોમાં કામગીરી વેગવંતી બનશે તેવી શક્યતા છે.
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
