News of Friday, 12th June 2026
સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં ઢાંકપીછોડા : બેઠકમાં મીડિયાકર્મીને પ્રવેશતા અટકાવાયા: સત્ય છુપાવવા થયો પ્રયાસ
એસએમસીની બેઠકમાં મિડિયાકર્મીઓને પ્રવેશતા રોક્યા : બેઠક રૂમ બહાર પોલીસ ગોઠવીને સત્ય છૂપાવવાનો પ્રયાસ: અધિકારીઓએ કેમેરા સામે બોલવાનું ટાળ્યું :તંત્રની કામગીરી સામે રોષ

સુરત:શહેરમાં નાસિરનગર ખાતે કથિત ડિમોલિશન કેસ હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિવાદ વચ્ચે સાઉથ ઝોન ખાતે સુરત મહાનગરપાલિકા( SMC)ની એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન ભારે હોબાળો થયો હતો કારણ કે મિડિયાકર્મીઓને હોલમાં જતાં અટકાવવામાં આવ્યા હતા. સુરક્ષાકર્મીઓએ મિડિયા સાથે કરેલી આ પ્રકારની ગેરવર્તણૂકને કારણે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ બેઠક દરમિયાન મિડિયાથી સત્ય છૂપાવવા માટે મનપા (SMC)ના અધિકારીઓ દ્વારા પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. બેઠક રૂમ ની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે મિડિયાકર્મીઓએ અધિકારીઓને સીધો સવાલ પૂછ્યો કે, "શું તમે આ લોકોને અગાઉ નોટિસ આપી હતી ખરી? શું આ ડિમોલિશન કાયદેસર છે?", ત્યારે અધિકારીઓ પાસે કોઈ સ્પષ્ટ જવાબ નહોતો. અધિકારીઓ કેમેરા સામે બોલવાનું ટાળી રહ્યા હતા અને સત્ય છૂપાવવા માટે પોલીસનું શરણું લઈ રહ્યા હતા.
આ ઘટનાને પગલે એસએમસી (SMC)ના અધિકારીઓની ક્રેડિબિલિટી એટલે કે વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. પત્રકારો માત્ર સૌમ્ય ભાષામાં સવાલો પૂછી રહ્યા હતા, તેમની પાસે કોઈ હથિયાર નથી, માત્ર સવાલ પૂછવાનું માધ્યમ એટલે કે માઈક છે. જો મનપાના અધિકારીઓએ કંઈ ખોટું નથી કર્યું, તો પછી તેઓ શા માટે પોલીસની પાછળ છુપાઈ રહ્યા છે? આ પ્રકારની કામગીરીથી મનપાની છબી ખરડાઈ રહી છે. 14 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર હજુ પણ અંધારામાં ફાંફા મારી રહ્યું છે અને કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવા તૈયાર નથી.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
